બાંગ્લાદેશ હિંસા દરમિયાન ઓછામાં ઓછા ૧,૪૦૦ લોકો માર્યા ગયા. આ ચોંકાવનારો અહેવાલ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ગયા ઉનાળાના છ અઠવાડિયા દરમિયાન બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનો પર કરાયેલા કડક કાર્યવાહીમાં ૧,૪૦૦ થી વધુ લોકોના મોતની આશંકા છે, એમ યુએનએ જણાવ્યું હતું.
જીનીવા સ્થિત કાર્યાલયે એક નવા અહેવાલમાં જણાવ્યું હતું કે સુરક્ષા અને ગુપ્તચર સેવાઓ “વ્યવસ્થિત રીતે” અધિકારોના ઉલ્લંઘનમાં સામેલ હતી જે માનવતા વિરુદ્ધના ગુનાઓ સમાન હોઈ શકે છે અને તેની તપાસ કરવાની જરૂર છે. માનવાધિકાર કાર્યાલયે “વિવિધ વિશ્વસનીય સ્ત્રતો” ને ટાંકીને જણાવ્યું હતું કે ૧ જુલાઈથી ૧૫ ઓગસ્ટ વચ્ચે થયેલા વિરોધ પ્રદર્શનોમાં ૧,૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયાની આશંકા છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના મોટા વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશ છોડીને ભારત આવ્યા હતા અને ગયા વર્ષે ૫ ઓગસ્ટથી અહીં છે. આ વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ, તેમની ૧૬ વર્ષ જૂની અવામી લીગ સરકાર પડી ભાંગી. આ પછી, મોહમ્મદ યુનુસે ૮ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશની વચગાળાની સરકારનો કાર્યભાર સંભાળ્યો. યુએન માનવાધિકાર વડા વોલ્કર ટર્કે સંકેત આપ્યો હતો કે વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે રાજકીય નેતૃત્વ અને ટોચના સુરક્ષા અધિકારીઓના જ્ઞાન અને સંકલનથી “અન્યાયિક હત્યાઓ, વ્યાપક મનસ્વી ધરપકડો” કરવામાં આવી હતી.