શ્રીલંકા ક્રિકેટએ ઓગસ્ટમાં મર્યાદિત ઓવરની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ એવા સમયે મોકલવામાં આવ્યો છે જ્યારે ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ હજુ સુધી આ પ્રસ્તાવનો સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી, પરંતુ જો આ શ્રેણી થાય છે, તો રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોઈ શકાય છે. રોહિત અને કોહલીની જોડી હવે ભારત માટે ફક્ત વનડેમાં જ રમતી જોવા મળશે કારણ કે બંનેએ ટેસ્ટ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
શ્રીલંકા ક્રિકેટે છ મર્યાદિત ઓવરની મેચોનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ મેચોની શ્રેણીનો સમાવેશ થાય છે. ભારતે બાંગ્લાદેશ પ્રવાસ પર સમાન સંખ્યામાં મેચ રમવાની હતી. જોકે, બીસીસીઆઈ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. બીસીસીઆઈનો નિર્ણય એશિયા કપમાં રમવા અંગે શું નિર્ણય લે છે તેના પર પણ નિર્ભર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) બીસીસીઆઈના આ નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.
આ અહેવાલમાં ટાંકવામાં આવેલા સૂત્રએ જણાવ્યું હતું કે, એસએલસી તરફથી એક વિનંતી પેન્ડીંગ છે, પરંતુ અમે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. અમારે એશિયા કપની પરિસ્થિતિ જોવી પડશે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. આનો અર્થ એ નથી કે એશિયા કપ અને શ્રીલંકા શ્રેણી બંને થઈ શકે નહીં, પરંતુ બીસીસીઆઇ સ્વાભાવિક રીતે અને યોગ્ય રીતે નિર્ણય લેતા પહેલા ખેલાડીઓ અને કોચ સાથે સલાહ લેવા માંગે છે.
બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયા આ અઠવાડિયે લોર્ડ્સ ટેસ્ટ માટે લંડનમાં છે અને મેચ દરમિયાન અથવા પછી ખેલાડીઓ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથે ચર્ચા કરે તેવી શક્્યતા છે. બીસીસીઆઇ આ પરામર્શ પછી એસએલસીની વિનંતીનો જવાબ આપે તેવી અપેક્ષા છે. ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર્સ, રોહિત શર્મા અને વિરાટ કોહલી, જેઓ હવે ટેસ્ટ અને ટી ૨૦ માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, જો બીસીસીઆઇ એસએલસીની વિનંતી સ્વીકારે તો વનડેમાં રમવાની અપેક્ષા છે. ભારત મૂળ રીતે ૧૭ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બાંગ્લાદેશમાં છ મર્યાદિત ઓવરની મેચ રમવાનું હતું, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ બંને શ્રેણી આગામી વર્ષ સુધી મુલતવી રાખી.
આ અહેવાલ મુજબ, એશિયા કપ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ટુર્નામેન્ટનું યજમાન હોવાને કારણે, એ આ અંગે અંતિમ નિર્ણય લેવાનો છે.બીસીસીઆઇ ભારત સરકારની સલાહ પર કોઈપણ નિર્ણય લેશે. એવું માનવામાં આવે છે કે એશિયા કપ ૧૦ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જોકે, આ માટે સરકારની સત્તાવાર મંજૂરીની રાહ જાવાઈ રહી છે.









































