દેશમાં એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. ‘પરીક્ષા વિના ભરતી’ (લેટરલ એન્ટ્રી)ના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે રાહુલ ગાંધીએ વિરોધ કર્યો અને તે નિર્ણયને મોદીજીએ પાછો ખેંચ્યો. તે પછી ભાજપના સમર્થકો પણ આવું કહેવા લાગ્યા છે. ભાજપના સમર્થકોને એવું લાગી રહ્યું છે કે ત્રીજી અવધિમાં મોદીજી ઢીલા પડી રહ્યા છે. દેશની અંદરનું ચિત્ર જોઈએ તો એવું લાગવાની પૂરી શક્યતા છે. પરંતુ આને આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ તો લાગશે કે મોદીજી અત્યારે કેમ ઢીલા દેખાઈ રહ્યા છે? ચૂંટણીનાં પરિણામના આગલા દિવસે જે રીતે રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ અને સ્વયં કાંગ્રેસના નેતા જયરામ રમેશે કલેક્ટરોને, ચૂંટણી પંચને હત્યાની કે પછી અન્ય રીતે ધમકી આપી હતી તે જોતાં જો ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોત અને એનડીએને ૪૦૦ કરતાં વધુ બેઠકો મળી હોત તો દેશમાં હિંસાની પૂરી શક્યતા હતી. અમેરિકામાં પણ લેફ્‌ટ-લિબરલો (કમલા હેરિસ વાંચો) એ જ રાગ આલાપી રહ્યા છે જે ભારતની લોકસભાની ચૂંટણી દરમિયાન કાંગ્રેસ વગેરે ઇણ્ડિ ગઠબંધનના પક્ષો આલાપી રહ્યા હતા. જો ડાનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો આ છેલ્લી ચૂંટણી હશે. ટ્રમ્પ સરમુખત્યારશાહી લાવી દેશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અચાનક જાતિવાદી રાજકારણ રમવા લાગ્યા હતા તેમ કમલા હૈરિસ તેમના માતાના ભારતીય (હિન્દુ) મૂળ કરતાં પોતાને અશ્વેત વધારે દેખાડી રહ્યા છે. આ જ વાત બાંગ્લાદેશની ચૂંટણીમાં પણ લાગુ પડી હતી. અમેરિકામાં લેફ્‌ટ-લિબરલ બાઇડેનની સરકાર છે. અને ભારતને નબળું પાડવું હોય તો ભારતના પડોશીઓને મજબૂત બનાવવા પડે, ત્યાં ભારત વિરોધી સરકાર લાવવી પડે. આનું કારણ એ કે વડાપ્રધાન મોદીએ કોરોના કાળ પછી ભારતને અનેક રીતે મજબૂત અને અમેરિકાની દાદાગીરી સદા માટે દૂર થાય તેવાં પગલાં ઉઠાવ્યાં. કોરોના કાળમાં અમેરિકાની ફાર્મા લાબીની રસી માટે વિપક્ષોએ દબાણ કર્યું તો પણ (અને ભારતમાં જો થયાં તે કરતાં વધુ મૃત્યુ થયાં હોત તો મોદીના માથે કાળી ટીલી લાગી જવાનો ભય હતો તો પણ) મોદીજીએ સ્વદેશી રસીનો આગ્રહ રાખ્યો. પરિણામે ભારતના જ નહીં, વિદેશના લોકોના પણ જીવ બચાવી શકાયા. યુક્રેઇન-રશિયા મુદ્દે ભારતે અમેરિકાના પીઠ્ઠુ બનવા કરતાં અલગ વલણ લીધું અને રશિયા પાસેથી કાચું તેલ (ક્રુડ) ખરીદવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહીં, યુરોપના દેશો પણ અમેરિકાની શેહમાં સીધા રશિયા પાસેથી ખરીદી શકે નહીં, તેથી ભારત પાસેથી લેવા લાગ્યા. રશિયા પાસેથી ખરીદીમાં ભારતે ડાલરને બાયપાસ કરી દીધો. યુએઇ, પેરિસના એફિલ ટાવર, શ્રીલંકા વગેરે દેશોમાં યુપીઆઈના કારણે લેવડદેવડમાં પણ ડાલરનું અસ્તિત્વ પૂરું કરી દીધું. શસ્ત્રોની રીતે ભારત મજબૂત થયું, એટલું જ નહીં, વિયેતનામ, ફિલિપાઇન્સ વગેરે દેશોમાં નિકાસ કરવા લાગ્યું. એટલે અમેરિકાની ફાર્મા અને આર્મ્સ લાબી બંનેને આ બાબતો ખટકે તે સ્વાભાવિક છે. અમેરિકાના ઉદ્યોગપતિ જ્યાર્જ સોરોસ જે મૂળ યહૂદી છે પરંતુ વિચારસરણીની રીતે લેફ્‌ટ-લિબરલ છે, તેઓ પણ નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ જાહેરમાં નિવેદનો કરી ચૂક્યાં છે અને તેમનાં દાન જે એનજીઓને મળે છે તેની આખી કડી કાંગ્રેસ સાથે જોડાતી હોવાના પુરાવા ટિ્‌વટર પર વિજય પટેલ (વિજય ગજેરા) આપી ચૂક્યા છે. એટલે મોદીને નબળા પાડવા ૧. તેમને ચૂંટણીમાં હરાવવા પડે. ૨. ભારતને સળગતું રાખવા ભારતના પડોશી દેશોમાં ભારત વિરોધી સરકારો લાવવી પડે. ૩. તે માટે ભારતના પડોશી દેશોમાં વિદ્રોહ કરાવવો પડે. વર્તમાન ચૂંટણીમાં ડાનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલા પછી ભળતી હૅડલાઇનવાળા રિપાર્ટ સર્ચમાં બતાવવા માટે ટ્રમ્પ ગુગલ પર આકરા પાણીએ છે. ભારતમાં પણ સમાચાર અંગે સર્ચ કરાતા, ગુગલ માત્ર લેફ્‌ટ-લિબરલ મીડિયા ‘ધ હિન્દુ’, ‘પ્રિન્ટ’, (અગાઉ જ્યારે પ્રણય રોયના હાથમાં હતું ત્યારે) ‘એનડીટીવી’, ‘ધ વાયર’ વગેરેના જ સમાચાર સર્ચમાં બતાવતું હતું. ગુગલમાં ૨૦૧૪ પહેલાં જે કાંગ્રેસ વિરોધી સમાચારો કે લેખો જોવા મળતા હતા તેને હટાવી દેવાયા છે. એટલે અમેરિકાની ચૂંટણીમાં પણ લેફ્‌ટ-લિબરલો અને રૂઢિવાદીઓ વચ્ચે આકરી લડાઈ છે. ટ્રમ્પનો સામનો પણ મોદીની જેમ ડીપ સ્ટેટ સાથે થઈ રહ્યો છે. એટલે આપણે મોદીને નબળા પાડવાની વાત પર આવીએ તો, બાઇડેન સરકાર આવ્યા પછી શ્રીલંકામાં બળવો થયો છે. નેપાળમાં વારંવાર સત્તાપરિવર્તન થયું છે. બાંગ્લાદેશમાં પણ બળવો થયો. પાકિસ્તાનમાં ઇમરાન ખાનને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઇમરાન ખાન કંઈ ભારત તરફી નહોતા, અને શાહબાઝ શરીફ પણ નહીં હોય. શ્રીલંકાની ઢબે જ બાંગ્લાદેશમાં બળવો થયો. શ્રીલંકામાં જે રીતે રાષ્ટ્રપ્રમુખના નિવાસમાં જનતા ઘૂસી ગઈ, જે રીતની તસવીરો ખેંચાવી, વીડિયો ઉતાર્યા તે જ રીતે બાંગ્લાદેશમાં પણ કર્યું. આ બધી ઢબ અમેરિકાની છે. અમેરિકાને આરબ દેશોમાં વિદ્રોહ કરાવવો હતો ત્યારે એક જ ઢબ તે અનુસર્યું હતું. અને વિદ્રોહ થાય ત્યારે તેનો ચેપ અનેક દેશોમાં પ્રસરતો હોય છે. શ્રીલંકામાં વિદ્રોહ પછી ભારતમાં વિપક્ષો કહેવા લાગ્યા હતા કે વધુ પડતો રાષ્ટ્રવાદ નુકસાન કરે છે. બાંગ્લાદેશમાં વિદ્રોહ પછી પણ ભારતમાં સલમાન ખુર્શીદ સહિતના વિપક્ષના નેતાઓ ભારતમાં બાંગ્લાદેશવાળી થશે તેમ કહેવા લાગ્યા. થોડા દિવસ પહેલાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે તો કહ્યું કે ૨૦૨૧માં ટ્રેક્ટર રેલી કાઢીને લાલ કિલ્લા તરફ ગયા (અને ત્યાં ખાલિસ્તાની ઝંડો પણ ફરકાવવામાં આવ્યો) તે કરતાં સંસદ તરફ ગયા હોત તો બાંગ્લાદેશવાળી થઈ ગઈ હોત (અર્થાત્ મોદી સરકાર ઉથલી ગઈ હોત.) પંજાબ અને હરિયાણાની શંભુ સીમાએ ખેડૂતો છે અને સર્વોચ્ચ ન્યાયાલયે ૧૨ આૅગસ્ટે પંજાબ (ની આઆપ) સરકારને શંભુ સીમાએથી ખેડૂતોને દૂર કરવા આદેશ આપ્યો છે. એટલે કે ભારતમાં બાંગ્લાદેશવાળી કરવા માટે પૂરી રીતે મરીમસાલો છે. ચૂંટણી પહેલાં જે કાંગ્રેસ પોતાની પાસે નાણાં ન હોવાનું કહેતી હતી, તેનાં ખાતાં ફ્રીજ થઈ ગયા હોવાનું રોદણું રોતી હતી તે તેલંગાણામાં બીઆરએસના ધારાસભ્યોને કઈ રીતે તોડીને પોતાના પક્ષમાં લાવી રહી છે? રાહુલ ગાંધીની ન્યાયયાત્રા માટેનું ધન ક્યાંથી આવ્યું? તે પ્રશ્ન કોઈ પૂછી રહ્યું નથી. કઈ રીતે પરસ્પર વિરોધી પક્ષો સાથે આવ્યા અને ઇણ્ડિ ગઠબંધન રચ્યું? બાંગ્લાદેશમાં શૈખ હસીના સરકારને ઉથલાવવા અમેરિકાના પ્રયાસો અંગે રશિયાએ છેક ગત નવેમ્બર ૨૦૨૩માં જ ચેતવણી આપી હતી. પરંતુ શૈખ હસીના તેમની વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનોને સંભાળવામાં ઉણા સાબિત થયા. તેમણે કડક હાથે કામ લીધું. મોદીજીએ જે રીતે ખેડૂતોના આંદોલનની સામે પોલીસના દંડાનો ઉપયોગ નહોતો કર્યો (ખાસ તો લાલ કિલ્લાવાળી ઘટના વખતે) તેવું શૈખ હસીના ન કરી શક્યા. પરિણામે હસીના વિરુદ્ધ બળવો સફળ થયો. આ બળવા પાછળ અમેરિકાના રાજદ્વારીએ કેવી રીતે કામ કર્યું હતું અને ભારતમાં કેવી રીતે પ્રયત્નો કરી રહ્યા છે તે જોવા જેવું છે. અમેરિકામાં બાઇડેન સરકાર આવ્યા પછી બાંગ્લાદેશમાં ૨૦૨૨માં પીટર ડી. હાસની નિમણૂંક અમેરિકાના રાજદૂત તરીકે થઈ. શરૂઆતમાં તો તેમણે ચીલાચાલુ કામ કર્યું, પરંતુ ડિસેમ્બર ૨૦૨૨થી તેમણે બાંગ્લાદેશની આંતરિક બાબતોમાં માથું મારવાનું શરૂ કરી દીધું. ૧૪ ડિસેમ્બર ૨૦૨૨એ તેઓ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના અદૃશ્ય નેતા સજીદુલ ઇસ્લામ સમનના ઘરે ગયા. ૨૦૨૩માં પણ તેમણે બીએનપીના નેતાઓ સાથે અનેક બેઠકો કરી. તેમણે જમાત-એ-ઇસ્લામ, જેની ચૂંટણી પંચમાં નોંધણી રદ્દ કરાઈ હતી, તેના નેતાઓ સાથે પણ બેઠકો કરી. (બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસામાં જમાત-એ-ઇસ્લામ સામે આંગળી ચીંધાઈ રહી છે.) આ બધું બાંગ્લાદેશની સમાચાર ચેનલ ‘સોમોય ન્યૂઝ’ (સમય ન્યૂઝ)ની વેબસાઇટ પર પ્રાપ્ય છે. ‘સોમોય ન્યૂઝ’ કહે છે કે પીટર ડી. હાસ રાજદૂત કરતાં વધુ એક્ટિવિસ્ટ તરીકે વર્તી રહ્યા હતા. ૨૮ આૅક્ટોબરે ઢાકામાં બીએનપીની સભા પછી અભૂતપૂર્વ હિંસા થઈ. પીટર ડી. હાસનું કામ પૂરું થઈ ગયું હતું. તે પછી તેઓ ચૂપચાપ ત્યાંથી શ્રીલંકા ચાલ્યા ગયા અને ત્યાંથી અમેરિકા. બાંગ્લાદેશની થિંક ટેંક ગણાતી અને અમેરિકાની લાભાર્થી સેન્ટર ફાર ગવર્નન્સ સ્ટડિઝ (સીજીએસ)એ કેટલીક એનજીઓ સાથે મળીને હાસની યોજના અમલમાં મૂકવાનું કામ કર્યું. યાદ રહે કે અમેરિકા ચીનના પ્રતિકાર માટે ભારતનો ઉપયોગ કરવા તો માગતું હતું પરંતુ સાથોસાથ ભારત મજબૂત ન રહે તે માટે બાંગ્લાદેશના સેન્ટ માર્ટીન ટાપુ અને ઈશાન ભારતનાં કેટલાંક રાજ્યોને જોડીને એક ખ્રિસ્તી દેશ બનાવવા પણ તેના મલીન આશય હતા. મણિપુરમાં ખ્રિસ્તી સમુદાય કૂકી દ્વારા મૈતેઈ સામે હિંસા આ જ સંદર્ભમાં હતી. મૈતેઈઓએ જે રીતે તેનો ઉત્તર (બળાત્કાર) દ્વારા આપ્યો તેના લીધે વાત મૈતેઇ વિરુદ્ધ જતી રહી. હવે ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાના રાજદ્વારી ડાનાલ્ડ લુ જે-જે રાજકારણીઓને મળ્યા તે પેટર્ન બાંગ્લાદેશવાળી જ છે. ભારતના સેક્યુલરો ભલે અખંડ ભારતની વાતોની મજાક ઉડાવતા હોય પરંતુ અમેરિકા માટે તો ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન એક જ છે. (અમેરિકા મૂળ બ્રિટિશરોના કબજામાં રહેલું છે અને મૂળ બ્રિટિશરો હજુ પણ ભારતને પોતાનું દાસ માને છે. એટલે જ ૧૯૪૭ પછી બ્રિટન અને અમેરિકાએ ભારતને અસ્થિર રાખવાના દરેક શક્ય પ્રયાસો કર્યા.) એટલે તેણે આ ચાર દેશો માટે બ્યુરા આૅફ સાઉથ ઍન્ડ સેન્ટ્રલ એશિયન અફૅર્સ બનાવી. અમેરિકાને ખબર છે કે ભારતીય ઉપખંડ જો મજબૂત બની ગયો તો તેના દિવસો પૂરા થઈ જશે. આ બ્યુરાના વડા ડાનાલ્ડ લુ છે. તેઓ અમેરિકાના ઉપ વિદેશ પ્રધાન પણ છે. તેઓ ડાનાલ્ડ લુએ પણ પીટર ડી. હાસની જેમ બાંગ્લાદેશમાં શૈખ હસીના સરકારને ઉથલાવવામાં ભૂમિકા ભજવી હતી. શૈખ હસીના સામે અંતિમ રીતે (જૂન ૨૦૨૪માં) બળવો થયો તે
આભાર – નિહારીકા રવિયા પહેલાં મેમાં ડાનાલ્ડ લુ બાંગ્લાદેશ ગયા હતા. ત્યાં તેઓ સરકારી અધિકારીઓ, નાગરિક સમાજના નેતાઓ અને અન્ય બાંગ્લાદેશીઓને મળ્યા હતા. ઇમરાન ખાને પણ ડાનાલ્ડ લુ પર પાકિસ્તાનના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ કર્યો હતો. ઇમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં ડાનાલ્ડ લુની ભૂમિકા હતી તેમ ઇમરાન ખાનનું કહેવું છે. આવા પ્રસ્તાવમાં સાંસદોને નાણાં પૂરાં પાડવામાં આવે છે, જેથી તેઓ સરકારને ઉથલાવી શકે. યુક્રેઇન-રશિયા યુદ્ધમાં ઇમરાન ખાને પાકિસ્તાનની ભૂમિકા ભારતની જેમ તટસ્થ રાખી હતી. ડાનાલ્ડ લુએ ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા આગ્રહ કર્યો હતો! છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાના રાજદ્વારીઓ ઓમર અબ્દુલ્લા, એમ.કે. સ્ટાલિન, આદિત્ય ઠાકરે, અસદુદ્દીન ઓવૈસીને મળ્યા છે. આ બધામાં સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદી બહુ ફૂંકી-ફૂંકીને ચાલી રહ્યા છે. રાજનાથસિંહ ગત ૧૮ આૅગસ્ટે ચેન્નાઈમાં કરુણાનીધિની સ્મૃતિમાં રૂ. ૧૦૦નો સિક્કો ઉદઘાટિત કરવા ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓની હત્યા તેમજ સેના પર આક્રમણો થતાં હોવા છતાંચૂંટણી યોજાવા જાહેરાત થઈ છે. પ. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે બધાં કારણોહોવા છતાં રાષ્ટ્રપતિ શાસન લાદીને મમતાને પીડિત (વિક્ટિમ) કાર્ડ ખેલવા દેવાની તક અને તે બહાને ઇણ્ડિ ગઠબંધનને મોટી તક મળી જાય તેવું મોદી ઇચ્છતા નથી. પરંતુ બીજી તરફ, વિપક્ષો પોતાની જાળમાં ઘેરાઈ રહ્યા છે. બાંગ્લાદેશના નીડર પત્રકાર સલાહ ઉદ્દીન શોઐબ ચૌધરી જે રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અંગે રહસ્યસ્ફોટ કરી રહ્યા છે તે ચોંકાવનારા છે. આ રહસ્યસ્ફોટ સોનિયા કે રાહુલની અંગત જિંદગી અંગે છે તેમ કહીને તેનાથી હાથ ખંખેરી શકાય તેમ નથી કારણકે તેમાં રાહુલ ગાંધીની બીએનપીના વિદેશ સ્થિત નેતા અને ખાલિદા ઝિયાના પુત્ર તારિક ઉર રહેમાનની સાથે લંડનમાં ગુપ્ત મુલાકાતની વાત છે. રાહુલ ગાંધીના મેક્સિકોના કાલમ્પિયાની ડ્રગ કાર્ટેલ સાથેના સંબંધોની વાત છે. સોનિયા ગાંધીના પાકિસ્તાનની આઈએસઆઈ સાથે સંબંધોની વાત છે. ભારતનું મીડિયા આ મુદ્દે સદંતર ચૂપ છે. ભાજપ પોતે પણ આ અંગે કંઈ બોલતો નથી. પરંતુ સાશિયલ મીડિયાના જમાનામાં આ વાતો ભારતના લોકો સુધી તો પહોંચી જ રહી છે. બીજી તરફ, મોદીથી દુઃખી સુબ્રમણિયમ સ્વામીરૂપી તોપનું નાળચું ફરીથી રાહુલ ગાંધી તરફ તકાયું છે. રાહુલ ગાંધીના નાગરિકત્વ અંગે તેમણે દિલ્લી ઉચ્ચ ન્યાયાલયમાં યાચિકા કરી છે. આગામી સમય ભારે ઉથલપાથલવાળો રહેવાનો છે. કોણ કોને ચેકમેટ કરે છે તે જોવું રસપ્રદ તો રહેશે જ પરંતુ ભારત અમેરિકા સામે બાથ ભીડવાની પોતાની નીતિ ચાલુ રાખી શકે છે કે કેમ તે પણ નક્કી થશે.