એશિયા કપ ૨૦૨૫ માં, બાંગ્લાદેશ ટીમે ગ્રુપ-બી માં તેનો પહેલો મેચ ૧૧ સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીના મેદાન પર હોંગકોંગ ટીમ સામે રમ્યો હતો. આ મેચમાં, બાંગ્લાદેશ ટીમ ૭ વિકેટથી જીતવામાં સફળ રહી હતી પરંતુ તેમ છતાં તેઓ ટીકાનો સામનો કરી રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ ટીમને ૧૪૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને હાંસલ કરવા માટે તેમને ૧૭.૪ ઓવરનો સમય લાગ્યો હતો. બાંગ્લાદેશ ટીમ પાસે આ મેચ વધુ સારા નેટ રન રેટ સાથે જીતવાની તક હતી, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં, જેના માટે તૌહીદ હિરદોયે પણ પોતાની ટીમનો બચાવ કર્યો છે.
હોંગકોંગ સામે જીત મેળવ્યા બાદ, બાંગ્લાદેશ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન તૌહીદ હિરદોયે ધીમા રન ચેઝ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હતા, અમારી માનસિકતા મેચ જીતવાની હતી. અમે મેચ પહેલા પૂરી કરી શક્યા હોત, પરંતુ અમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી રમત તે જ રીતે ચાલુ રાખી. અમે કોઈપણ રીતે મેચ અમારા હાથમાંથી સરકી જવા દેવા માંગતા ન હતા. અમે મેચ ઝડપથી પૂરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું બોલને સારી રીતે જાડી શક્્યો નહીં. મને લાગે છે કે પરિણામ એક કે બે ઓવર વહેલા પૂરી કરવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
બાંગ્લાદેશ ટીમે હવે એશિયા કપ ૨૦૨૫ માં શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે તેની આગામી ૨ મેચ રમવાની છે. આ બંને મેચો અંગે, તૌહીદ હિરદોયે કહ્યું કે અમારું ધ્યાન અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામેની મેચ જીતવા પર છે અને તેથી જ અમે નેટ રન રેટ વિશે વધુ ચિંતા કરી રહ્યા નથી. અમે ટુર્નામેન્ટની શરૂઆતમાં આ બધી બાબતોને લઈને પોતાના પર દબાણ વધારવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બંને ટીમોના ૨-૨ પોઈન્ટ છે, પરંતુ અફઘાનિસ્તાન ટીમનો નેટ રન રેટ ૪.૭ છે જ્યારે બાંગ્લાદેશ ટીમનો નેટ રન રેટ ૧.૦૦૧ છે.














































