ગાઝા પટ્ટી પર ઇઝરાયલી હુમલાઓ સામે જાહેર ગુસ્સા વચ્ચે, બાંગ્લાદેશે તેના નાગરિકોને યહૂદી દેશની મુસાફરી ન કરવાનો આદેશ જારી કર્યો છે. બાંગ્લાદેશે તેના પાસપોર્ટ પર ‘ઇઝરાયલ સિવાય’ ટ્રાવેલ એડવાઇઝરી લગાવી છે. બાંગ્લાદેશમાં આ બીજી વખત છે જ્યારે લોકોને ઇઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે આ અંગે એક નિર્દેશ જારી કર્યો છે. તેણે પાસપોર્ટ અને ઇમિગ્રેશન વિભાગને વિદેશ પ્રવાસ કરતા નાગરિકોની સત્તાવાર મુસાફરી પરમિટમાં “આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે” એ ખાસ નોંધ ફરીથી ઉમેરવા જણાવ્યું હતું.
બાંગ્લાદેશે પહેલાથી જ તેના નાગરિકોને ઇઝરાયલની મુસાફરી ન કરવા સૂચનાઓ જારી કરી દીધી છે. ૨૦૨૧ માં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના અવામી લીગ સરકાર દરમિયાન પાસપોર્ટમાંથી ઇઝરાયલ સિવાયના તમામ દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપતી ખાસ નોંધ દૂર કરવામાં આવી હતી. તે સમયે, અધિકારીઓએ કહ્યું હતું કે દસ્તાવેજના આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા માટે તેને પાસપોર્ટમાંથી દૂર કરવામાં આવ્યું હતું.