બાંગ્લાદેશમાં હિંદુત્વ ખતરામાં છે.
બાંગ્લાદેશમાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી હિંદુ વિરોધી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. થોડાક દિવસોની શાંતિ પછી પાછી હિંસા શરૂ થઈ જાય છે અને હિંદુઓને નિશાન બનાવીને હુમલા શરૂ થઈ જાય છે. છેલ્લા છ મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો છે ને તેમાં દસ હજારથી વધારે હિંદુઓની હત્યા કરી દેવાઈ હોવાનું કહેવાય છે.
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતાં શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્‌યું પછી કટ્ટરવાદી મુસ્લિમો પાસે ખિજ કાઢવા બીજું કોઈ ના બચ્યું તેથી હિંદુઓ પર તૂટી પડ્‌યા છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ભારત આવેલાં શેખ હસીનાને પોતાને સોંપી દેવા માટે વચગાળાની સરકારે કહ્યું પણ ભારતે હસીનાને બાંગ્લાદેશને સોંપ્યાં નથી. આ કારણે મુસ્લિમ કટ્ટરવાદીઓ ભારત સામે ઝેર ઓકી રહ્યા છે અને હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે.
ઈસ્કોન સહિતનાં સંગઠનો બાંગ્લાદેશના હિંદુઓ માટે લડી રહ્યાં છે તો તેમને પણ નિશાન બનાવાઈ રહ્યાં છે. હમણાં ઈસ્કોનના નેતા ચિન્મય દાસ બ્રહ્મચારીને જેલમાં પૂરી દેવાયા છે અને તેમના પર રાજદ્રોહનો કેસ લગાવી દેવાયો છે. હિંદુવાદી નેતાઓનાં ખાતાં પણ બંધ કરી દેવાયાં છે. ઈસ્કોન સહિતનાં સંગઠનોને દબાવી દેવા માટે તેમના પર પ્રતિબંધની પણ હિલચાલ ચાલી રહી છે.
આશ્ચર્યજનક રીતે આખી દુનિયા બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની કત્લેઆમ સામે ચૂપ છે. ભારતમાં મુસ્લિમો સહિતની લઘુમતીઓને દબાવી દેવાય છે, તેમના પર અત્યાચારો થાય છે, અસહિષ્ણુતાનું વાતાવરણ પેદા કરી દેવાયું છે એવી રેકર્ડ વગાડ્‌યા કરતાં અમેરિકાના માનવાધિકાર પંચ સહિતનાં સંગઠનો સાવ ચૂપ છે. યુનાઈટેડ નેશન્સ ચૂપ છે ને કોઈએ પણ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની કત્લેઆમ સામે અવાજ નથી ઉઠાવ્યો કે નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસના વડપણ હેઠળ વચગાળાની સરકાર હિંદુઓની હત્યા કેમ રોકી નથી શકતી એવો સવાલ પણ નથી કર્યો.
કટ્ટરવાદી મુસ્લિમોનાં ટોળાં શોધી શોધી હિંદુઓને નિશાન બનાવી રહ્યાં છે, હિંદુઓનાં ઘરોને આગ લગાડી રહ્યાં છે, દુકાનો લૂંટાઈ રહી છે અને બહેન-દીકરીઓને ઉઠાવી જઇને બળાત્કાર કરવાની ઘટનાઓ પણ બની રહી છે પણ કોઈ તેમની પડખે નથી.
બાંગ્લાદેશના હિંદુઓ અત્યારે સાચા અર્થમાં રામભરોસે છે.

હિંદુઓએ ઈસ્ટ પાકિસ્તાનને પાકિસ્તાનની ચુંગાલમાંથી છોડાવ્યું પણ તેની આકરી કિંમત તેમણે ચૂકવી છે. બાંગ્લાદેશની આઝાદી માટેની લડતમાં ભજવેલી ભૂમિકા માટે બાંગ્લાદેશના સર્જન પહેલાં તેમના પર અમાનવીય અત્યાચારો થયા. બાંગ્લાદેશના સર્જન પછી આ અત્યાચારો ઘટશે એવું લાગતું હતું પણ તેના બદલે અત્યાચારો વધ્યા છે.
આઝાદી વખતે પંજાબ અને બંગાળ બંનેમાં હિંદુઓ પર સૌથી વધારે અત્યાચાર થયા. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પછી પાકિસ્તાનમાં પંજાબી અને સિંધીઓએ સત્તા કબજે કરીને બંગાળીઓ અને બિહારીઓને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દીધા પછી ઈસ્ટ અને વેસ્ટ બંને પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારો ચાલુ રહ્યા. શેખ મુજીપુર રહેમાને ૧૯૪૮માં બાંગ્લાભાષીઓના અધિકારોની માગ કરી ત્યારે પણ હિંદુઓ સૌથી પહેલાં નિશાન બન્યા હતા. ૧૯૬૨માં રાજાશાહી હત્યાકાંડ પછી ફાટી નીકળેલી હિંસામાં ૮૦ હજાર હિંદુઓની હત્યા થઈ હતી. સંખ્યાબંધ મંદિરો તોડાયાં હતાં ને હિંદુઓની સંપત્તિ લૂંટવામાં આવી હતી. ૧૯૬૪નાં કોમી તોફાનમાં પણ લગભગ ૧૫ હજાર હિંદુ મરાયા હતા. આ હત્યાકાંડ પાકિસ્તાની લશ્કરની મદદથી કરાયા હતા.
પાકિસ્તાનના સરમુખત્યાર યાહ્યાખાને બાંગ્લાદેશની ચળવળને દબાવી દેવા ઓપરેશન સ્ટરલાઈટ કરાવ્યું ત્યારે પણ હિંદુઓને નિશાન બનાવ્યા હતા. ૧૯૭૧ના બાંગલા જીનોસાઈડમાં લગભગ ૩૦ લાખ હિંદુઓની હત્યા કરાઈ અને ૪ લાખ હિંદુ બહેન-દીકરીઓ પર પાશવી બળાત્કાર ગુજારાયા હતા. પાકિસ્તાની સૈનિકોએ હિંદુઓનાં આખેઆખાં ગામોને સળગાવીને હત્યાકાંડ આચર્યા હતા. કટ્ટરવાદી મુસ્લિમો એટલે કે રઝાકારે તેમને સાથ આપ્યો હતો. પાકિસ્તાનની મસ્જિદોમાંથી ઈસ્ટ પાકિસ્તાન જઈને હિંદુઓની હત્યા કરવા મુલ્લા-મૌલવીઓ કજહેતા. ઈમામો મસ્જિદોનાં લાઉડ સ્પીકરો પરથી કહેતા કે, પાકિસ્તાનમાં શાંતિ સ્થાપવા હિન્દુઓના બલિદાનની જરૂર છે. બંગાળી હિંદુ મહિલાઓને વોર બુટી એટલે કે યુદ્ધની લૂંટ જાહેર કરતા ફતવા બહાર પાડીને હિંદુઓની હત્યા કરનારાને તેમના ઘરની સ્ત્રીઓને ભોગવવાનો અધિકાર મળશે એવું કહેવાતું.
ભારતે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તૂટી ત્યારે હિંદુ મંદિરો તોડીને મોટી સંખ્યામાં હિંદુઓને મારી નખાયા હતા. ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો વખતે પણ ૧૯૯૨ જેવા જ તોફાનો થયાં હતાં ને હિંદુઓની કત્લેઆમ થઈ હતી.

બાંગ્લાદેશમાંથી હિંદુઓનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે એ જોતાં હિંદુઓ નેસ્તનાબૂદ થઈ જશે એવો ખતરો વાસ્તવિકતા બની જશે એવું લાગે છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીના વસતી ગણતરીના આંકડા પર નજર નાંખશો તો વાસ્તવિકતા સમજાશે.
અંગ્રેજોએ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી આપી ત્યારે સાથે સાથે ભાગલા પણ આપેલા અને ભારત તથા પાકિસ્તાન એમ બે નવા દેશ બનાવ્યા. આઝાદી વખતે પાકિસ્તાનની કુલ વસતીમાં ૧૩ ટકા હિંદુ હતા ને પાકિસ્તાનના હિંદુઓમાં બાંગ્લાદેશના હિંદુ પણ આવી ગયા. પાકિસ્તાનના બહુમતી હિંદુઓ ઈસ્ટ પાકિસ્તાનમાં હતા. પાકિસ્તાન ત્યારે ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન એમ બે ભાગમાં હતું. વેસ્ટ પાકિસ્તાનમાં પંજાબ, સિંધ, બલુચિસ્તાન સહિતના હાલના પાકિસ્તાનના પ્રદેશો હતા જ્યારે ઈસ્ટ પાકિસ્તાન એ વખતે પૂર્વ બંગાળ હતું કે જે હાલનું બાંગ્લાદેશ છે.
પૂર્વ બંગાળની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ ૨૨ ટકા હતું જ્યારે પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ માત્ર ૧.૬ ટકા હતું. આપણે પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ ઘટ્યું એવું સાંભળીએ છીએ પણ વાસ્તવમાં પાકિસ્તાનની વસતીમાં હિંદુઓ બહુ થોડા પ્રમાણમાં ઘટ્યા છે. અસલી ઘટાડો બાંગ્લાદેશમાં થયો છે અને બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતી સાવ ખરાબ છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની વસતીમાં ધરખમ ઘટાડો થયો છે એ વાત પણ નાની લાગે એવી હાલત છે. હાલમાં બાંગ્લાદેશમાં ૧.૩૦ કરોડ હિંદુ છે. બાંગ્લાદેશની કુલ વસતીમાં માત્ર સાડા આઠ ટકા હિંદુ છે. ભારત અને નેપાળ પછી વિશ્વમાં હિંદુઓની સૌથી વધારે વસતી બાંગ્લાદેશમાં છે પણ દેશ આઝાદ થયો તેનાથી ત્રીજા ભાગના હિંદુ રહી ગયા છે. દેશ આઝાદ થયો ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓનું પ્રમાણ ૨૨ ટકા હતું તે ઘટીને ૮.૫ ટકા થઈ ગયું છે. તેના પરથી જ હિંદુઓની હાલત કેવી ખરાબ છે તેની ખબર પડી જાય.

બાંગ્લાદેશમાં હિંદુ બચી ગયા તેનું કારણ પણ હિંદુ આદિવાસી છે.
બાંગ્લાદેશના ગારો, ખાસી, જૈંતિયા, સંથાલ, બિશનપુરીયા, મૈનપુરી, ત્રિપુરી, મુંડા, ધનુક વગેરે આદિવાસી હિંદુઓને કટ્ટરવાદી મુસ્લિમો કશું કરી શકતા નથી તેથી આ હિંદુઓ હજુય બાંગ્લાદેશમાં રહે છે. આ કારણે આદિવાસી હિંદુઓની વસતી બહુ ઘટી નથી પણ શહેરી વિસ્તારોમાં રહેનારા હિંદુઓ ભાગી રહ્યા છે તેથી તેમનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. મોટા ભાગના હિંદુ ભાગીને પશ્ચિમ બંગાળ આવી ગયા છે તેથી ગણતરીના હિંદુ રહી ગયા છે.
આ હિંદુઓને બચાવવા માટે હિંદુવાદીઓ કશું કરતા નથી કે આ દેશની હિંદુવાદી સરકાર પણ કશું કરતી નથી એ જોતાં બાંગ્લાદેશમાંથી આદિવાસી સિવાયના હિંદુઓના અસ્તિત્વ સામે મોટો ખતરો છે. બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓમાં મોટા ભાગના બંગાળી હિંદુ છે. તેમણે બાંગ્લાદેશમાં બંગાળી કલ્ચરને જાળવ્યું છે પણ આ કલ્ચર સામે પણ ખતરો છે.
ઈઝરાયલ યહૂદીઓનો દેશ છે ને દુનિયામાં ક્યાંય પણ યહૂદીઓને ઉની આંચ પણ આવે તો ઈઝરાયલ આક્રમકતા બતાવે છે. ભારત હિંદુઓનો સૌથી મોટો દેશ છે તેથી ભારતે પણ હિંદુઓના મુદ્દે આવી આક્રમકતા બતાવવી જોઈએ. બાંગ્લાદેશ સરકાર હિંદુઓની રક્ષા માટે કંઈ કરતી નથી ત્યારે ભારત મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે કે ખાલી નિવેદનબાજી કર્યા કરે એ ના ચાલે. બાંગ્લાદેશને ફફડાવી દેવું પડે ને તો જ હિંદુઓ બચશે, બાકી તો બાંગ્લાદેશમાંથી હિંદુઓનું અસ્તિત્વ મટી જશે.