બાંગ્લાદેશમાં શુક્રવારે સવારના પહોરમાં જ એક ખૂબ જ દુખજનક દુર્ઘટના બની છે. ફેરીમાં આગ લાગવાના કારણે ૩૨ લોકોના મોત થયા છે અને ૧૦૦ કરતાં પણ વધારે લોકો દાઝ્યા છે. જાણવા મળ્યા મુજબ દુર્ઘટના સમયે ફેરીમાં આશરે ૧,૦૦૦ લોકો સવાર હતા. આ દુર્ઘટના રાજધાની ઢાકાથી આશરે ૨૦૦ કિમી દૂર ઝલકોટી વિસ્તારમાં બની હતી. ફેરીમાં આગ લાગતાં કેટલાંક લોકો ડરના માર્યા જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.આ બોટ રાજધાની ઢાકાથી બરગુના જઈ રહી હતી. શુક્રવારે સવારે ૩:૦૦ વાગ્યાની આસપાસ મોટર બોટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે મુસાફરો સૂઈ રહ્યા હતા. આગ લાગતા જ બોટમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક મુસાફરો સમજી શક્યા ન હતા કે શું થયું છે, જ્યારે કેટલાક મુસાફરો ભીષણ આગ જાઈને નદીમાં કૂદી પડ્યા હતા.આમાં પણ ઘણા લોકોના મોત થવાની આશંકા છે. આગની માહિતી મળ્યા બાદ, બરીશાલ ડિવિઝન ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ડાયરેક્ટર કમલ ઉદ્દીન ભુયાના નેતૃત્વમાં ૧૫ ફાયર ટેન્ડરો સવારે ૩.૫૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.