બાંગ્લાદેશમાં ફરી હિંદુઓની કત્લેઆમ શરૂ થઈ છે.
બાંગ્લાદેશમાં પાકિસ્તાન અને ચીનના ઈશારે ભડકેલા અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતાં વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું પછી કટ્ટરવાદી મુસ્લિમો હિંદુઓ પર તૂટી પડ્યા છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ભારત આવેલા શેખ હસીનાને ભારતે રાજ્યાશ્રય નથી આપ્યો પણ હસીનાને ભારત છોડવા પણ નથી કહ્યું. આ કારણે કટ્ટરવાદીઓ ભારત સામે ઝેર ઓકી રહ્યા છે અને હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે.
હસીના ભાગ્યા પછી બાંગ્લાદેશમાં અવિરત હિંસા ચાલુ છે અને બીજા ૫૦૦થી વધુ લોકો આ હિંસામાં હોમાઈ ગયા છે. બાંગ્લાદેશમાં નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસના વડપણ હેઠળ વચગાળાની સરકાર રચાઈ પણ હિંદુઓ સામેની હિંસા બંધ થઈ નથી. હર્ષવર્ધન રોય અને કાજલ રોય નામના બે હિંદુ કાઉન્સિલરોની હત્યા કરાઈ પછી કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાં શોધી શોધી હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. હિંદુઓના ઘરોને આગ લગાડવામાં આવી રહી છે અને દુકાનો લૂંટાઈ રહી છે.
બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના દાવા પ્રમાણે, બાંગ્લાદેશના ૨૭ જિલ્લામાં હિન્દુઓના ઘર પર હુમલા કરીને કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. ચાર મંદિરો સળગી દેવાયાં છે. બાંગ્લાદેશમાં એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. હિંદુઓને ઘરની બહાર ફેંકી દેવામાં આવી રહ્યા છે, માર મારવામાં આવે છે. આ હુમલાઓને કારણે હિન્દુઓ ભયના ઓછાયામાં જીવી રહ્યા છે અને પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે એવા પણ ીરપોર્ટ છે. ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તો દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાંથી એક કરોડ હિંદુ ભાગીને ભારતમાં આવવાના છે તેથી તેમને આશ્રય આપવા માટેની માનસિક તૈયારી રાખવી પડશે.
બાંગ્લાદેશમાં ૩ વર્ષ પહેલાં પણ હિંદુ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
બાંગ્લાદેશમાં ૨૦૨૧ના ઓક્ટોબરમાં દુર્ગાપૂજા દરમિયાન ફરતી થયેલી ફેસબુક પોસ્ટને બહાને હિંદુઓ પર મોટા પાયે હુમલા કરાયેલા. આ પોસ્ટમાં કુરાનનું કથિત અપમાન કરાયું હોવાનો દાવો કરીને કટ્ટરવાદીઓએ ચાંદીપુરના હાજીગંજ ઉપજિલામાં દુર્ગાપૂજા સમારોહના મંડપમાં તોડફોડ કરીને હિંદુઓને બેફામ ફટકારીને હિંસાની શરૂઆત કરી.
ફેસબુક પોસ્ટના સમાચાર ફેલાતાં બીજા વિસ્તારોમાં પણ કટ્ટરવાદી મુસ્લિમો મેદાનમાં આવી ગયા ને દુર્ગાપૂજાના મંડપો પર હુમલા શરૂ થયા. આ હુમલા પછી હિન્દુ મંદિરો પર થવા માંડ્યા ને તેમાં હિંસા ફાટી નીકળી. કટ્ટરવાદીઓએ હિંદુ વિસ્તારોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા. હિંદુઓના પાંચ સો જેટલા ઘરોનો સળગાવીને નાશ કરાયો.
સત્તાવાર રીતે આ હિંસામાં ૧૨ લોકોના મોત થયા અને ૧૦૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા પણ બિનસત્તાવાર રીતે મૃત્યુ આંક વધારે હતો. આ હિંસામાં કોણ મર્યાં તેમના નામ જાહેર કરાયા નહોતા પણ સ્વાભાવિક રીતે જ હિંદુઓને નિશાન બનાવાઈ રહ્યા છે તેથી જેમના મોત થયા કે ઘાયલ થયા એ બધામાં હિંદુ જ વધારે હશે એ કહેવાની જરૂર નથી.
બાંગ્લાદેશમાં ત્યારે અવામી લીગની સરકાર હતી ને શેખ હસીના વડાપ્રધાન હતા. હિંદુ મંદિરો પર હુમલા શરૂ થયા પછી મોડે મોડે જાગેલા હસીનાએ અર્ધલશ્કરી દળોને મેદાનમાં ઉતાર્યાં હતા. અવામી લીગના જનરલ સેક્રેટરી અને હસીના સરકારના મંત્રી અબૈદુલ કાદરે ૧૨ હિન્દુ મંદિરો પર હુમલો થયાનું અને દુર્ગાપૂજાના મંડપોની સલામતી માટે લશ્કરી જવાનો તૈનાત કરવા પડ્યા હોવાનું સ્વીકાર્યું હતું. આ હુમલા પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હતો એ પણ કહેવાની જરૂર નથી. હસીનાની અવામી લીગે પણ હિંદુઓની તરફેણમાં દેખાવો કર્યા પછી માંડ માંડ સ્થિતિ કાબૂમાં આવી હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓની અવદશા નવી વાત નથી.
આપણી પિન પાકિસ્તાન પર ચોંટેલી છે તેથી બાંગ્લાદેશના હિંદુઓની ખરાબ હાલત વિશે બહુ સાંભળવા મળતું નથી પણ વાસ્તવમાં બાંગ્લાદેશના હિંદુઓની હાલત પાકિસ્તાનના હિંદુઓથી પણ ખરાબ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ થાય છે, મિલકતો લૂંટાય છે, બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટાય છે ને ધર્મસ્થાનો પણ તોડી નંખાય છે. આ સિલસિલો વરસોથી ચાલે છે કેમ કે બાંગ્લાદેશના મુસ્લિમોમાં હિંદુ વિરોધી માનસિકતા અત્યંત પ્રબળ છે.
બાંગ્લાદેશ આઝાદી પહેલાં પૂર્વ બંગાળ હતું ત્યારથી બંગાળના મુસ્લિમોમાં હિંદુ વિરોધી માહોલ હતો. મુસ્લિમ લીગનો પ્રભાવ હોવાથી સુહરાવર્દી જેવા નેતાઓએ કટ્ટરવાદી માનસિકતાને પોષી તેથી દેશ આઝાદ નહોતો થયો ત્યારે પણ આ વિસ્તારમાં કોમી રમખાણો થયા કરતા હતા. મુસ્લિમ લીગે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી અલગ પાકિસ્તાનની માગણી કરી ત્યારે પૂર્વ બંગાળનો પાકિસ્તાનમાં સમાવેશ કરવાની માંગ કરેલી કેમ કે પૂર્વ બંગાળમાં મુસ્લિમો બહુમતીમાં હતા. અંગ્રેજોએ આ માગણી સ્વીકારીને દેશના ભાગલા ધર્મના આધારે કર્યા ત્યારે પૂર્વ બંગાલ પાકિસ્તાનમાં ગયું ને પશ્ચિમ બંગાળ ભારતમાં રહ્યું.
આઝાદી વખતે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં હિંદુઓ પર હુમલા થયા. પૂર્વ બંગાળમાં હિંદુઓની લઘુમતી હતી તેથી ત્યાં હિંદુ મોટા પાયે હુમલાનો ભોગ બન્યા. આઝાદી પહેલાં જ નોઆખલીમાં થયેલા કોમી રમખાણોમાં મોટા પાયે હિંદુઓની કત્લેઆમ થઈ હતી.
આઝાદી પછી આ જ ક્રમ ચાલુ રહ્યો ને પૂર્વ બંગાળમાં હિંદુઓ પરના હુમલા ચાલુ રહ્યા. આ કારણે પૂર્વ બંગાળમાં એટલે કે હાલના બાંગ્લાદેશમાં હિંદુઓની ભારે કત્લેઆમ થઈ છે.
બાંગ્લાદેશની માંગ ઉઠી ત્યારે પાકિસ્તાને સૌથી પહેલા હિંદુઓને નિશાન બનાવ્યા હતા.
બાંગ્લાદેશમાં કટ્ટરવાદી મુસ્લિમો પાકિસ્તાન સાથે જ રહેવા માંગતા હતા. તેમને સાધીને પાકિસ્તાને હિંદુઓને નિશાન બનાવીને હુમલા શરૂ કરાવ્યા કે જેથી બાંગ્લાદેશની માગને દબાવી શકાય. આ વ્યૂહરચનાના ભાગરૂપે પૂર્વ બંગાળમાં ૧૯૬૨માં રાજશાહી હત્યાકાંડ થયો હતો. આ હિંસામાં હજારો હિંદુઓની હત્યા થઈ હતી. સંખ્યાબંધ મંદિરો તોડાયા ને હિંદુઓની સંપત્તિ લૂંટવામાં આવી હતી. તેના કારણે હિંદુઓ ફફડી ગયા ને ભાગીને પશ્ચિમ બંગાળ આવવા માંડ્યા. પાકિસ્તાનને લાગ્યું કે, અલગ બાંગ્લાદેશની માંગને દબાવી દેવા આ જ શ્રેષ્ઠ રસ્તો છે.
પાકિસ્તાનના લશ્કરે હિંદુઓ પર અત્યાચાર કરીને કટ્ટરવાદી મુસ્લિમોને ભડકાવીને કોમી તોફાનો કરાવ્યા. ૧૯૬૪માં પૂર્વ બંગાળમાં મોટા પાયે કોમી તોફાન થયા. આ તોફાનોમાં મોટા પ્રમાણમાં હિંદુ મરાયા હતા. ૧૯૭૧માં ભારતે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું એ વખતે કટ્ટરવાદી મુસ્લિમોએ પાકિસ્તાનથી અલગ થયા તેની ખિજ કાઢવા હિંદુઓની મોટા પ્રમાણમાં હત્યા કરી હતી.
બાંગ્લાદેશમાં છાસવારે હિંદુ વિરોધી તોફાનો થયા કરે છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તૂટી ત્યારે દેશભરમાં હિંદુ મંદિરો તોડાયા હતા ને મોટી સંખ્યામાં હિંદુઓને મારી નખાયા હતા. ૨૦૦૨ના ગુજરાતના રમખાણો વખતે પણ ૧૯૯૨ જેવા જ તોફાનો થયા હતા ને હિંદુઓની કત્લેઆમ થઈ હતી.
બાંગ્લાદેશમાંથી હિંદુઓ ભાગી રહ્યા છે.
ભારત આઝાદ થયો ત્યારે પાકિસ્તાનની કુલ વસતીમાં ૧૩ ટકા હિંદુ હતા. તેમાં પૂર્વ બંગાળ એટલે કે હાલના બાંગ્લાદેશના હિંદુ પણ આવી ગયા. પૂર્વ બંગાળની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ ૨૨ ટકા હતું જ્યારે પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ ૧.૬ ટકા હતું.
પાકિસ્તાનની વસતીમાં હિંદુઓ થોડા પ્રમાણમાં ઘટ્યા છે પણ બાંગ્લાદેશમાં સ્થિતી સાવ ખરાબ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વસતીમાં ધરખમ ઘટાડો થયો છે. હાલમાં બાંગ્લાદેશમાં ૧.૩૦ કરોડ હિંદુ છે અને બાંગ્લાદેશની કુલ વસતીમાં માત્ર સાડા આઠ ટકા હિંદુ છે. ભારત અને નેપાળ પછી વિશ્વમાં હિંદુઓની સૌથી વધારે વસતી બાંગ્લાદેશમાં છે પણ દેશ આઝાદ થયો ત્યારે જે પ્રમાણ હતું તેનાથી ત્રીજા ભાગનું પ્રમાણ છે. દેશ આઝાદ થયો ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓનું પ્રમાણ ૨૨ ટકા હતું તે ઘટીને ૮.૫ ટકા થઈ ગયું છે. તેના પરથી જ હિંદુઓની હાલત કેવી ખરાબ છે તેની ખબર પડી જાય.
બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓમાં મોટા ભાગના બંગાળી હિંદુ છે.
આ સિવાય ગારો, ખાસી, જૈંતિયા, સંથાલ, બિશનપુરીયા, મૈનપુરી, ત્રિપુરી, મુંડા, ધનુક વગેરે આદિવાસી હિંદુઓ પણ બાંગ્લાદેશમાં રહે છે. આદિવાસી હિંદુઓની વસતી બહુ ઘટી નથી પણ શહેરી વિસ્તારોમાં રહેનારા હિંદુઓનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. મોટા ભાગના હિંદુ ભાગીને પશ્ચિમ બંગાળ આવી ગયા છે.
બાંગ્લાદેશમાં નવેસરથી શરૂ થયેલી હિંસાના પગલે આ હિજરત વધશે તેમાં બેમત નથી. કમનસીબે બાંગ્લાદેશના હિંદુઓ પરના હુમલા સામે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચૂપ છે. વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિંદુવાદી સંગઠનો પણ શરૂઆતમાં ચૂપ હતા પણ હવે રજૂઆતો કરી છે. પણ ભારતમાં પ્રચંડ વિરોધ થવો જોઈએ એવું નથી થયું. ભારત હિંદુઓનો સૌથી મોટો દેશ છે તેથી ભારતે હિંદુઓના મુદ્દે બોલવું જોઈએ. બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવું જોઈએ કે જેથી હિંદુઓની કત્લેઆમ ના થાય. બાકી આ રીતે તો બાંગ્લાદેશમાંથી હિંદુઓનું અસ્તિત્વ મટી જશે.