બાંગ્લાદેશમાં દેવી કાલીનો મુગટ ચોરાઈ ગયોઃ નવરાત્રિ દરમિયાન બાંગ્લાદેશમાં દરેક જગ્યાએ દુર્ગા પૂજા ઉજવવામાં આવે છે, ત્યારે સતખીરાના શ્યામ નગરના જેશોરેશ્વરી મંદિરમાંથી દેવી કાલીનો મુગટ ચોરાઈ ગયો છે. આ તાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્પણ કર્યો હતો. જ્યારે પીએમ મોદી માર્ચ ૨૦૨૧માં બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે જેશોરેશ્વરી મંદિરમાં દેવીના દર્શન કર્યા બાદ આ મુગટ અર્પણ કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે તાજની ચોરીની આ ઘટના ગુરુવારે લગભગ ૨ થી ૨.૩૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પૂજારી દિલીપ મુખર્જી દિવસ દરમિયાન પૂજા કર્યા પછી તેમના ઘરે ગયા હતા. બાદમાં સફાઈ કર્મચારીઓએ જાયું તો કાલી દેવીના માથામાંથી મુગટ ગાયબ હતો. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
મંદિરમાંથી મુગટની ચોરી થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ચોરને સતત શોધી રહી છે. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તૈજુલ ઇસ્લામે કહ્યું, “ચોરને ઓળખવા માટે અમે મંદિરના સીસીટીવી તપાસી રહ્યા છીએ.”
પીએમ મોદીએ મંદિરમાં જે મુગટ ચઢાવ્યો હતો તે ચાંદીનો હતો, જે હિંદુ માન્યતા અનુસાર, જેશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં હાજર ૫૧ શક્તિપીઠોમાંથી એક છે.
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ તેમના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ૨૭ માર્ચ ૨૦૨૧ના રોજ આ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં મુગટ અર્પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ મંદિરમાં તેમના દર્શનનો વીડિયો પણ શેર કર્યો હતો.