ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ચકચારી ગુનાની અંદરની ખોફનાક હકીકત પરથી પડદો ઉચકતાં જણાવ્યું હતું કે, મૃતક સુરેશ જાદવને ઉમરેઠી ગામના જ સગીરે ખુબ જ સિફતપૂર્વક મોતને ઘાટ ઉતારી આ ઘટનાને અકસ્માતમાં ખપાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો.
મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યું આવતુ હતું. મૃતક યુવક સુરેશ આરોપીની બહેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
મૃતક યુવકની હત્યા માટે આરોપીએ ખુબજ ગુનાહિત માનસ સાથે કાવતરું રચ્યું હતું. જેમાં આરોપીએ તેની પ્રેમિકાની પણ મદદ મેળવી હતી. મૂળ ડોળાસા ગામની અને હાલ રાજકોટ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી આરોપીની પ્રેમિકાએ મૃતક સુરેશને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા અવારનવાર વાતો કરી મૃતકનો વિશ્વાસ જીતી લીધો હતો. જે બાદ આરોપીના પ્લાન મુજબ મૃતક સુરેશને રાત્રિના સમયે ઘરેથી બહાર લાવવા માટે મળવાનું કહી બોલાવ્યો હતો. મૃતક સુરેશ પ્રેયસીને મળવા ઉમરેથી ગામથી તાલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો અને ઘુસિયા ગામ નજીક ઇમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરજસ્ત ઠોકર મારી નાસી ગયો હતો. આરોપીએ આ ઘટના અકસ્માતમાં ખપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલ ખુન્નસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ નાસી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ આ અકસ્માતના મૂળ સુધી પહોંચી હતી. જેથી આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં પોપટ બની ગયેલા આરોપીએ સમગ્ર ઘટનાના વટાણા વેરી નાખ્યા હતા.