કેશોદ નગરપાલિકામાં જુનાગઢ જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યંખ હતું જેમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી. તે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયાનું જોણવા મળતાં સામાજિક કાર્યકર રાજુભાઈ બોદર દ્વારા માહિતી માંગતા અધુરી માહિતી નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. ત્યારે તેમણે પ્રાદેશિક કમિશનર ભાવનગરને અપીલ કરી હતી અને છેલ્લે માહિતી કમિશનર ગાંધીનગર અપીલ કરી છે. કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા, કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી હતી.
કેશોદ તાલુકાનાં સાગરસોલા ગામનાં ખેડૂત દિનેશભાઈ ચાવડાએ નોટરી સમક્ષ સોગંદનામું કરીને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યાં મુજબ કેશોદ નગરપાલિકામાં ફાયર વિભાગમાં પોતાનાં પુત્રને નિમણૂંક મેળવવા માટે કેશોદ નગરપાલિકાનાં પ્રમુખનાં દિયરે રૂપિયા સાત માંગ્યા હતા.
જે આપી શકે એટલાં સમૃદ્ધ ન હોવાથી દિનેશભાઈ ચાવડાનાં પુત્રને નિમણૂંક મળેલી નહોતી. તાજેતરમાં કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ સહિત રાજકીય પક્ષો દ્વારા તપાસની માંગ કરી ત્યારે દિનેશભાઈ ચાવડાએ નોટરી સમક્ષ સોગંદનામું કરીને લેખિતમાં ફરિયાદ નોંધાવી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરી બેરોજગાર યુવાનો ને થયેલાં અન્યાય સામે ન્યાય અપાવી ભ્રષ્ટાચાર આચરીને ગેરરીતિઓ કરનારા સામે ફોજદારી ધારાની જોગવાઈ હેઠળ પગલાં ભરવામાં આવે એવી માંગ કરી છે.
કેશોદ નગરપાલિકામાં બહુચર્ચિત ભરતી કોભાંડ માં સુધરાઈ પ્રમુખનાં દિયરે મોટી રકમ માંગ્યાની લેખિતમાં ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ ગયેલ છે. કેશોદ નગરપાલિકામાં અંદાજે દશેક વર્ષ પહેલાં એસીબીએ પદાધિકારીઓ અને હોદેદારોને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતાં ત્યારે આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ભરતી કોભાંડમાં પણ સતાનાં જોરે ભીનું સંકેલી લેવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે !!!