યુપીના બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી હિંસા બાદ જારી કરવામાં આવેલી ડિમોલિશન નોટિસ પર હાઈકોર્ટે રાહત આપી છે. પીઆઈએલની સુનાવણી કરતા હાઈકોર્ટની લખનૌ બેન્ચે આગામી સુનાવણી ૨૭ નવેમ્બરે નક્કી કરી છે. રાજ્ય સરકારે આ મામલે કોર્ટ પાસે માંગવામાં આવેલ જવાબ દાખલ કર્યો છે. અરજદારે તેનો જવાબ પણ રજૂ કર્યો છે.
સુનાવણી સમયે, અરજદારનો વળતો જવાબ રેકોર્ડ (ફાઈલ) પર ન હતો. આના પર કોર્ટે તેની ઓફિસને રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે, કોર્ટે હજુ સુધી આ કેસમાં કોઈ વચગાળાનો આદેશ આપ્યો નથી. હાલમાં ૨૭ નવેમ્બર સુધી ડિમોલિશન નોટિસ કેસમાં કથિત અતિક્રમણ કરનારાઓને રાહત મળશે.
અગાઉ ૬ નવેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને મૌખિક સૂચના આપી હતી. હાલમાં સરકારે કાયદેસર ન હોય તેવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. બીજી તરફ સરકારી વકીલોએ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કોર્ટે રાજ્ય સરકારને આ કેસમાં ચાર મુદ્દાઓ પર જવાબ દાખલ કરવા અને અરજદારને તેના પર વાંધો દાખલ કરવા માટે સમય આપ્યો હતો.
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્‌સ દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલ સોમવારે ચીફ જસ્ટીસ અરુણ ભણસાલી અને જસ્ટીસ જસપ્રીત સિંહની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. અરજીમાં, કથિત અતિક્રમણ કરનારાઓને ૧૭ ઓક્ટોબરે જારી કરાયેલ ડિમોલિશન નોટિસને પડકારવા અને તેને રદ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું નોટિસ જારી કરતા પહેલા ત્યાં કોઈ સર્વે કરવામાં આવ્યો હતો કે નહીં?
જે લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી તે લોકો બાંધવામાં આવેલી જગ્યાના માલિક છે કે નહીં? નોટિસ જારી કરનાર સત્તા તેમને જારી કરવા સક્ષમ હતી કે નહીં. આ મુદ્દાઓ ઉપરાંત, કોર્ટે સરકારને એ પણ પૂછ્યું હતું કે શું મહારાજગંજ માર્કેટના રસ્તા પર આખું બાંધકામ અથવા તેનો કોઈ ભાગ ગેરકાયદેસર બાંધકામ છે જેના પર તેને તોડવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી? રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ વિનોદ શાહી મુખ્ય સ્ટેન્ડીંગ એડવોકેટ શૈલેન્દ્ર કુમાર સિંઘ સાથે હાજર થયા હતા અને કોર્ટને ઇચ્છીત માહિતી આપી હતી.
તમને જણાવી દઈએ કે બહરાઈચના મહારાજગંજમાં ૧૩ ઓક્ટોબરે હિંસા બાદ રામ ગોપાલ મિશ્રાની હત્યા કરવામાં આવી હતી. આ પછી, મહારાજગંજના કથિત અતિક્રમણ કરનારાઓને તેમની ઇમારતો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.