કર્ણાટકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની એક ખાસ અદાલતે ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને ગંભીર બળાત્કાર કેસમાં બેવડી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨) (કે) અને કલમ ૩૭૬(૨) (વારંવાર બળાત્કાર) હેઠળ દોષિત ઠેરવ્યો. બંને ગુનાઓ માટે અલગ અલગ આજીવન કેદની સજા સાથે ૫-૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કુલ ૧૦ લાખ રૂપિયાના દંડમાંથી પીડિતાને વળતર તરીકે ૭ લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.
જ્યારે કોર્ટે દોષિત પ્રજ્વલ રેવન્નાને પૂછ્યું કે તેમનું શું કહેવું છે, ત્યારે પ્રજ્વલ રેવન્નાએ દુઃખ સાથે કહ્યું, ‘મેં સાંસદ તરીકે સારું કામ કર્યું છે. મેં છ મહિનાથી મારા માતા-પિતાને જોયા નથી. હું એક તેજસ્વી વિદ્યાર્થી છું, મિકેનિકલ એન્જીનિયરિંગમાં સ્નાતક છું. હું ખૂબ જ વહેલા રાજકારણમાં આવ્યો હતો અને સારું કામ કરવાનું શરૂ કર્યું હતું, તેથી જ મને ફસાવવામાં આવ્યો હતો. હું મીડિયાને દોષ આપવા માંગતો નથી, આ બધું પોલીસનું કામ છે.’
આ કેસ હાસનના ગન્નીકડા ગેસ્ટ હાઉસમાં રેવન્ના પરિવારની ૪૮ વર્ષીય મહિલા નોકરાણીના જાતીય શોષણ સાથે સંબંધિત છે. પ્રજ્વલે આ કૃત્ય પોતાના મોબાઇલ ફોન પર પણ રેકોર્ડ કર્યું હતું.એસઆઇટીએ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૭૬ (૨) (કે) હેઠળ એક મહિલા પર પ્રભુત્વ જમાવવા અને બળાત્કાર કરવા બદલ અને ૩૭૬ (૨) હેઠળ એક જ મહિલા પર વારંવાર બળાત્કાર કરવા બદલ, માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ ૬૬ ઈ અને અન્ય ગુનાઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
પ્રોસિક્્યુશન પક્ષે જણાવ્યું હતું કે ૨૦૨૧ માં પીડિતા પર બે વાર બળાત્કાર થયો હતો. એકવાર રેવન્ના હસનમાં રહેઠાણ પર અને પછી બેંગલુરુમાં તેના રહેઠાણ પર. ચાર્જશીટમાં ૧૧૩ સાક્ષીઓના નામ છે અને ટ્રાયલ ૧૮ જુલાઈના રોજ પૂર્ણ થઈ.
સોશિયલ મીડિયા સહિત અનેક મહિલાઓ પર જાતીય હુમલો દર્શાવતી ૨૦૦૦ થી વધુ વિડિઓ કલીપ્સ ઓનલાઈન પ્રસારિત થયા બાદ નોંધાયેલા ચાર કેસોમાં પ્રજ્વલ રેવન્ના મુખ્ય આરોપી છે. પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ પહેલી ફરિયાદ એપ્રિલ ૨૦૨૩ માં દાખલ કરવામાં આવી હતી.






































