માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કોરિયોગ્રાફર જાની માસ્ટરને આપવામાં આવેલ રાષ્ટÙીય પુરસ્કાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોરિયોગ્રાફર પર બળાત્કારનો આરોપ હતો જેના કારણે તે લાંબા સમયથી જેલમાં હતો. પરંતુ આ અઠવાડિયે તેને નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જાની માસ્ટર તરીકે જાણીતા કોરિયોગ્રાફરનું સાચું નામ શેખ જાની બાશા છે.
તેણે ફિલ્મ ‘તિરુચિત્રંબલમ’ના ગીત ‘મેઘમ કારુકકથા’ માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો રાષ્ટÙીય પુરસ્કાર જીત્યો હતો. પરંતુ શુક્રવારે (૪ ઓક્ટોબર), માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટÙીય ફિલ્મ પુરસ્કાર સેલે જાની માસ્ટરના એવોર્ડને સસ્પેન્ડ કરવા અંગેની માહિતી આપતા નિવેદન બહાર પાડ્યું હતું.
નિવેદનમાં લખ્યું છે – ‘આરોપની ગંભીરતા અને કેસની પડતરતાને ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારીએ શેખ જાની બાશાને વર્ષ ૨૦૨૨ની ફિલ્મ ‘તિરુચિત્રંબલમ’ માટે બેસ્ટ કોરિયોગ્રાફી માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આગામી આદેશ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.’ ઉલ્લેખનીય છે કે, ૮ ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાનાર નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે જાની માસ્ટરને આપેલું આમંત્રણ પણ પાછું ખેંચી લીધું છે.
જાની માસ્ટર પર બળાત્કારનો ગંભીર આરોપ છે. એક મહિલા, જે તેની સહાયક કોરિયોગ્રાફર હતી, તેણે આરોપ લગાવ્યો હતો કે, જાની માસ્ટરે ૨૦૨૦માં મુંબઈની વર્ક ટ્રીપ દરમિયાન તેની જાતીય સતામણી કરી હતી અને આ વિશે કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ મળ્યા બાદ સાયબર પોલીસે ૧૯ સપ્ટેમ્બરે ગોવામાં જાની માસ્ટરની ધરપકડ કરી હતી. આ પછી, જાનીને હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.