પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના ઝિયારત જિલ્લામાં મંગળવારે સાત સ્થાનિક લોકોના ગોળીઓથી વિંધાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. ઝિયારતના ડેપ્યુટી કમિશનર ઝકાઉલ્લાહ દુર્રાનીએ જણાવ્યું હતું કે સવારે ચોટિયાર વિસ્તારમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. બીજા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે સાતેય લોકોના મોત એક જ સમયે થયા હતા. મૃતદેહ મળી આવતાની સાથે જ ગુસ્સે ભરાયેલા લોકોનું ટોળું ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું હતું અને હાઇવે પર ધરણા કર્યા હતા, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. લોકોએ તપાસની માંગ કરી અને ન્યાયની માંગ કરી.
“અમે ચોટિયાર અને ઝિયારતને જોડતા હાઇવેને ખાલી કરવા માટે વિરોધીઓ સાથે વાત કરી રહ્યા છીએ,” ઝકાઉલ્લાહ દુર્રાનીએ કહ્યું. તેમણે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બલુચિસ્તાન પ્રાંતમાં અજાણ્યા અને ગોળીઓથી વિંધાયેલા મૃતદેહો મળવા એ કોઈ નવી ઘટના નથી.
આ દરમિયાન બલુચિસ્તાનમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. અહીં એક તેલના ટેન્કરમાં આગ લાગી અને તેમાં વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા હતા અને ૫૬ લોકો ઘાયલ થયા હતા. ટેન્કરમાંથી તેલ લીકેજ થવાને કારણે આગ લાગી હતી. ક્વેટા સરકારી હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે જણાવ્યું હતું કે લગભગ એક ડઝન ઘાયલોની હાલત ગંભીર છે અને તેમાંથી કેટલાકને એરલિફ્ટ કરીને કરાચી લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ ક્વેટાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.