પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનમાં વિસ્ફોટ બાદ કોલસાની ખાણ ધસી પડતા ઓછામાં ઓછા ૧૨ ખાણ કામદારો ફસાયા છે. આ અકસ્માત રાજધાની ક્વેટાની બહાર સંજદી વિસ્તારમાં થયો હતો. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, મુખ્ય ખાણકામ અધિકારી અબ્દુલ ગની બલોચે જણાવ્યું હતું કે ગેસ વિસ્ફોટને કારણે સંજદી વિસ્તારમાં કોલસાની ખાણ ધરાશાયી થઈ હતી. “તમામ ખાણિયાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. “ખાણમાં ૧૨ કામદારો ફસાયેલા હોવાના અહેવાલો છે,” રિંદે જણાવ્યું. બલુચિસ્તાનના ખાણ અને ખનિજ મંત્રી મીર શોએબ નોશીરવાનીએ મુખ્ય ખાણ અધિકારી બલોચને બચાવ કામગીરીમાં ભાગ લેવા માટે વધુ બે ટીમો મોકલવાનો આદેશ આપ્યો. “જો હાલની ખાણકામ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયું હોય, તો ખાણ માલિક સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ,” નોશિરવાનીએ ચેતવણી આપી.
મંત્રી મીર શોએબ નોશિરવાનીએ બચાવ ટીમોને ફસાયેલા ખાણકામ કરનારાઓને બચાવવાના પ્રયાસો ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું, “કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાણોમાં સલામતીના પગલાંનો કડક અમલ સુનિશ્ચિત કરવો જોઈએ.” ગયા વર્ષે જૂનમાં, સંજડી વિસ્તારમાં કોલસાની ખાણમાં મિથેન ગેસના કારણે ઓછામાં ઓછા ૧૧ લોકો માર્યા ગયા હતા.