માલ ખરીદી આરોપીઓ કંપની, મકાન બંધ કરીને છૂમંતર
સાવરકુંડલા, તા.૦૯
રાજુલાના બર્બટાણા ગામે રહેતા કપાસના વેપારી પાસેથી માલ ખરીદી આરોપીઓ કંપની, મકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જેને લઈ પરેશભાઈ બચુભાઈ હડિયાએ રાજકોટમાં રહેતા ભાલાળા દર્શનભાઈ રમણીકભાઈ, રમણીકભાઈ ચકુભાઈ ભાલાળા, લુણાગરીયા વિરેન સુરેશભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ સિદ્ધનાથ કોટેક્ષ પ્રાઇવેટ લી.ના ડાયરેકટરો તથા વહીવટદારો વ્યાપારી છે. જેઓએ તેમના મહાવીર કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી પાસેથી દલાલો મારફતે અલગ-અલગ તારીખે કુલ ૩૨૦૦ કોટન બેલ્સ (ગાંસડીઓ) કિં.રૂ.૮,૬૬,૪૦,૨૬૭ નો માલ ૧૫ દિવસે પેમેન્ટ કરવાના વાયદે ખરીદ્યો હતો. આરોપીએ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા તેમણે તથા સાહેદોએ અવાર-નવાર આ બાકી પેમેન્ટની ઉઘરાણી અંગે આરોપીઓની શ્રી સિદ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. ખાતે જઇ કટકે કટકે રૂ.૪,૨૪,૫૭,૪૨૦ના નાણા મહાવીર કોટનના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. ઉપરાંત આરોપીઓ પાસેથી કાયદેસરના લેવાના બાકી રહેલા નાણા રૂ.૪,૪૧,૮૨,૮૪૭ બાબતે અવારનવાર ઉઘરાણી કરવા જતા સમયે ચારેય આરોપીઓએ નાણા ચુકવી આપવાનો વિશ્વાસ અને વાયદા આપતા હતા. આરોપીઓ તેમની સિદ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. કંપની તથા રહેણાંક મકાનો બંધ કરી જતા રહ્યા હતા.