બરોડા ડેરીના વહીવટ સામે એક પછી એક આરોપો સામે આવી રહ્યા છે. ગતરોજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મૃત પશુપાલકોના નામે દૂધ ભરવામાં આવતું હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો હતો. તે બાદ હવે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા વહીવટકર્તાઓ સામે સનસનીખેજ આરોપો મુકવામાં આવી રહ્યા છે. તેમણે કેતન ઇનામદાર દ્વારા મુકવામાં આવેલા આરોપોનું સમર્થન કર્યું હતું. સાથે જ કહ્યું કે, ડેરીમાં નાના કર્મીઓને નાની ભૂલ બદલ ટર્મીનેટ કરાયા છે. વર્ષ ૨૦૧૨ થી એક જ પાર્ટીને ડેરી કામ સોંપતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજિત ઠાકોરે મીડિયાને જણાવ્યું કે, બરોડા ડેરીમાં એક હજાર પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૨ – ૧૩ માં સવા સાત લાખ લીટર દુધનો આવતો પુરવઠો હતો. તે ઘટીને ૫ લાખની અંદર આવીને થઇ ગયો છે. જિલ્લામાં ૪૦૦ દૂધ મંડળીઓ બંધ થઇ ગઇ છે. તેનું કારણ એવું છે કે, એક મહિનામાં ૬૦ ટ્રક દૂધ જાય તેમાંથી તેમાંથી ૪૦ ટ્રક દૂધ બરોડા ડેરી સેકન્ડ દરે લઇ લેતી હોય છે. તેના કારણે બોગસ દૂધ અને મંડળીઓ સામે આવી છે. ડિરેક્ટરો બોગસ દૂધ ભરે છે, અને તેની નીચેના તે લઇ લે છે. મારા તાલુકા સંખેડામાં પણ એક ડિરેક્ટર રમેશભાઇ બારીયાનું આવું જ કૌભાંડ છે. તે તણખલા ગામમાં આ રીતે દૂધ ભરેલું છે. તેની પૂરેપૂરી માહિતી મારી પાસે છે. બરોડા ડેરીમાં ટેન્ડર વગર જ કામોની ફાળવણી કરી દેવામાં આવતી હોય છે. એક જ પાર્ટીને દરેક કામ આપવામાં આવે તેવો વહીવટ વર્ષ ૨૦૧૨ થી થઇ રહ્યો છે. આ બધુ સંસ્થા માટે સારૂ ના કહેવાય. બરોડા ડેરીના કર્મીએને ૨૦૧૨ – ૨૦૨૦ સુધીમાં ૭૦ જેટલા કાયમી કર્મચારીઓને ટર્મીનેટ કરી દેવામાં આવ્યા છે. નાની-નાની ભૂલોમાં ટર્મીનેટ કરી દેવામાં આવે છે. ગરીબનું ઘર ઉજાડવાનું ના હોય. આ વાતનો તાલુકે તાલુકે અવાજ ઉઠવાનો છે, અને અમે મીટિંગો કરવાના છીએ.
વધુમાં કહ્યું કે, મારી પાસે બધા જ પુરાવા છે. સમય આવ્યે બધુ જ રજુ કરીશ. ખાનગી ડેરી વાળા ગામેગામથી દૂધ લઇ જાય છે. ગામે ગામ ખાનગી ડેરી ખુલી રહી છે. આ રીતે કેવી રીતે સંસ્થા ચાલશે, એક ગામમાં એક ડેરી હોય તેની જગ્યાએ બરોડા ડેરી બીજી ડેરીનો માર્ગ ખુલ્લો કરી આપે છે. છોટાઉદેપુર અને વડોદરાના જિલ્લામાં ખબર પડી છે કે, આ લોકો ડેરીના વહીવટને લાયક નથી. સાવલીના ધારાસભ્યએ ઉજાગર કરેલા આરોપો સાચા છે. સાવલી તાલુકામાં દૂધ ભરવાનું કેટલું ઓછું થઇ ગયું છે, તેઓ સારી રીતે જાણે છે. ઘટનાનું કારણ ભ્રષ્ટાચાર છે. જે તે પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝરની લાઇનથી આ ચાલી રહ્યું છે. આપોઆપ લોકો સામે આવશે. દૂધ મંડળીના મતદારોને ભગવાન સદબુદ્ધિ આપે, અને સારા લોકોના હાથમાં વહીવટ જાય તેવી હું પ્રાર્થના કરું છું. આ ખાનગી કંપની હોય તેવું લાગે છે. સમય આવ્યે હું પુરાવા રજુ કરીશ. અમે મજુરી કરીને ઉપર આવેલા લોકો છીએ. તારકેશ્વર સંઘથી આ સંસ્થા ચાલતી હતી. ગાંધીવાદી લોકો તેમાં હતા. સફેદ પ્રાણીનો ભ્રષ્ટાચાર કોઇને સદતો નથી, અને સદવાનો નથી. આ મામલાનું નિરાકરણ સરકાર લાવશે, તેવો મને વિશ્વાસ છે. આગામી સમયમાં મોટા પાયે આંદોલન થશે.