બરેલી પ્રશાસન દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી ૩ જુલાઈ સુધી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. કાનપુર ખાતે થયેલી હિંસાના અનુસંધાને મુસ્લિમ ધર્મગુરૂ તૌકીર રજાએ ૧૦ જૂનના રોજ એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવાની ઘોષણા કરી હતી. તેને અનુલક્ષીને સાવચેતીના પગલારૂપે પોલીસે કલમ-૧૪૪ અંતર્ગત કર્ફ્‌યુ લાગુ કર્યો છે. પ્રશાસનના કહેવા પ્રમાણે કર્ફ્‌યુ દરમિયાન સાર્વજનિક સ્થળોએ ૫થી વધારે લોકો એકઠા નહીં થઈ શકે. તે સમય દરમિયાન ધરણાં પ્રદર્શન પર પણ પ્રતિબંધ રહેશે. શુક્રવારના રોજ કાનપુર ખાતે જે રીતે હિંસા ભડકી ઉઠી હતી ત્યાર બાદ તે પ્રકારની કોઈ અપ્રિય સ્થિતિથી બચવા માટે પ્રશાસને આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, કાનપુર ખાતે શુક્રવારના રોજ કથિતરૂપે બજાર બંધ કરાવવા મુદ્દે ૨ સમૂહો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. તે દરમિયાન ભારે પથ્થરબાજી પણ થઈ હતી. તણાવ બાદ કાનપુરમાં યતીમ ખાના (અનાથાશ્રમ) અને પરેડ ચાર રસ્તા વચ્ચે આવેલા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અથડામણ દરમિયાન ૨ લોકો અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
પોલીસના કહેવા પ્રમાણે જ્યારે કેટલાક લોકોએ અન્ય જૂથ દ્વારા વિરોધ કરવા છતાં પણ દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કર્યો ત્યાર બાદ હિંસા ફાટી નીકળી હતી. રાજ્ય પોલીસે શનિવારે સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી હયાત જાફર હાશમીની અન્ય ૩ માસ્ટરમાઈન્ડ સાથે ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.