ઉત્તર પ્રદેશના બરેલીમાં કાવડયાત્રીઓ પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. શ્રાવણના ત્રીજા સોમવાર પહેલા, અન્ય સમુદાયના લોકોએ બરેલીના બારાદરી વિસ્તારમાં કાવડયાત્રીઓના જૂથ પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાવને પગલે કાવડ યાત્રીઓ માં રોષ જાવા મળ્યો હતો. ત્યારે હવે આ પથ્થરમારાના મામલામાં નવો વળાંક આવ્યો છે. કાવડ યાત્રીએ આરોપ લગાવ્યો છે કે બારાદરી ખાતે પૂર્વ કાઉન્સિલર ઉસ્માન અને મસ્જિદના મૌલાનાના કહેવાથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કાવડ યાત્રીઓ પાણી લેવા માટે ગંગા નદી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય સમુદાયના લોકોએ કાવડિયો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં ૧૨ કાવડયાત્રીઓ ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ ૧૫ મિનિટ સુધી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે એસએસપી પ્રભાકર ચૌધરી અને એસપી સિટી રાહુલ ભાટીએ પણ ઘટના અંગે પૂછપરછ કરી હતી.
શ્રાવણના દરેક સોમવારે હજારો કાવડયાત્રીઓ શહેરના વંખંડીનાથ મંદિરે પહોંચે છે. ત્રીજા સોમવારે ભગવાન શિવના જલાભિષેક કરવા કાવડયાત્રીઓના ટોળા આવવા લાગ્યા. આરોપ છે કે આ દરમિયાન ૫૦-૬૦ લોકોના ટોળાએ કાવડયાત્રીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. મંદિરથી લગભગ ૧૫૦ મીટર દૂર જાગી નવાડામાં પથ્થરમારો થયો હતો. જ્યાંથી થોડે દૂર એક મસ્જિદ પણ છે. જે બાદ કાવડિયાઓએ આક્ષેપ કર્યો હતો કે અન્ય સમુદાયના લોકોએ ડીજે પર પથ્થરમારો કર્યો હતો.
બારાદરીના જાગી નવાડામાં રવિવારે અસામાજિક તત્વોએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ ૭ કલાક સુધી ઉગ્ર હંગામો થયો હતો. કાવડિયાઓ પર કાદવ પણ ફેંકવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. બદમાશોએ પોલીસ વાહનની પણ તોડફોડ કરી હતી. એક રાહદારીની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે પૂર્વ કાઉન્સિલર ઉસ્માન અને મસ્જિદના મૌલાના સહિત ૧૨ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તે જ સમયે, ૧૫૦ અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી પૂર્વ કાઉન્સિલર ઉસ્માનની ધરપકડ કરી છે. જે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો ત્યાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.