બરવાળામાં છેલ્લા બે દિવસથી ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરમાં ઉભરાઈને બહાર આવતા લોકોની ધીરજ ખૂટી ગઈ છે. તંત્રની મનસ્વી કામગીરીના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી નગરપાલિકા કચેરીએ આક્રોશભેર હલ્લાબોલ કર્યાે હતો એટલુ જ નહિ, નગરપાલિકા કચેરીએ જઈને કચેરી સહિતના તમામ વિભાગોમાં તાળા લગાવી દીધા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી બરવાળા નગરપાલિકાનું શાસન રામભરોસે ચાલે છે. સ્થાનિક રહિશોની લાઈટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધા અંગેની ફરિયાદ કોઈ સાંભળતુ નથી. આથી લોકોએ કંટાળી જઈને ફરિયાદ કરવાનું પણ માંડી વાળ્યુ છે. બરવાળા શહેરમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરો છેલ્લા ત્રણ વર્ષથી છલકાઈ રહેલ છે. મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળે છે. નગરપાલિકા દ્વારા સમયસર મેઈન્ટેનન્સ નહિ થવાના કારણે ગટરો ઠેર ઠેર ઉભરાઈ રહેલ છે. ભૂગર્ભ ગટર સાફ કરવા માટેના તમામ સાધનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. ભૂગર્ભ ગટરના પાણીના પમ્પીંગ સ્ટેશનોની તમામ મોટરો બંધ હાલતમાં છે. નગરપાલિકાની તિજારી તળીયા ઝાટક થઈ ગઈ છે.