વિકાસની સાથે સાથે ગ્રીન એનર્જી જેવા અભિગમથી પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રાજ્ય તરીકેની છાપ ગુજરાત ઉપસાવી રહ્યું છે. એશિયાઈ સિંહ માટેનું એકમાત્ર નિવાસસ્થાન તરીકે પણ ગુજરાતનું આગવું મહત્વ છે. છેલ્લા થોડા સમયથી બરડાને પણ સિંહોએ પોતાનું નિવાસસ્થાન બનાવેલ છે. બરડા અભયારણ્યમાં પણ સફારી ચાલુ કરવામાં આવી છે. જેણે સમગ્ર બરડા વિસ્તારને પ્રવાસનના નકશા પર આગવું સ્થાન અપાવી દીધું છે. થોડા સમય પહેલાં વન વિભાગ દ્વારા એક ઉત્કૃષ્ટ કામગીરી કરીને બરડા અભયારણ્યમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલ જંગલની જમીન પરનું ગેરકાયદે દબાણ દૂર કરાવવામાં આવ્યું છે. આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. ભૂમાફિયા લોકો દ્વારા ભવિષ્યમાં આ જગ્યાએ પર કોઈ રિસોર્ટ કે અન્ય કોઈ વ્યવસાયિક કે અનધિકૃત પ્રવૃત્તિ કરવાના હેતુથી જંગલની જમીનમાંથી જંગલના અસંખ્ય કુદરતી વૃક્ષો કાપી જમીન સાફ કરી ખેડાણ કરવામાં આવેલ હતું. ઉક્ત જગ્યાએ પહોંચાડવા ડીઝલ પંપ ઉપરાંત ચાર-પાંચ લાખ રૂપિયાની કિંમતના સોલાર પાવરપંપ પણ લગાવવામાં આવેલ હતા જે આવા ભૂમાફિયાઓની આર્થિક સધ્ધરતા છતી કરે છે. આ વિસ્તારમાં ભૂમાફિયા ઘાસ વગેરે વનસ્પતિનો નાશ કરવા માટે રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા હોય છે. જે જમીન ઉપરાંત આજુબાજુના જળસ્રોતો કે જ્યાંથી વન્યજીવ પાણી પીતા હોય છે તે પણ દુષિત થતા હોય છે. તેમજ થોડી મોટી વનરપતિઓના નિકાલ માટે જંગલ વિસ્તારમાં આગ લગાડવા જેવા કૃત્યો કરવામાં આવતા હોય છે. જેને કારણે કીટકો, સસલા, નોળિયા, સાપ, શેળા જેવી
જીવસૃષ્ટિ સાથે સાથે અલભ્ય ઔષધિઓ પણ નાશ પામતી હોય છે. આવા ભૂમાફિયાઓ દ્વારા આ અનધિકૃત દબાણ કરેલ જગ્યા ફરતે પથ્થરની દિવાલ, ઇલેકટ્રીક શોક વગેરે રાખવામાં આવતા હોય છે. જેથી વન્યજીવ ઉપરાંત મનુષ્યોના જીવનને પણ મોટો ખતરો થતો હોય છે.
બરડો પંથક અલભ્ય જીવસૃષ્ટિથી ભરેલો છે. જેમાં કે સીંગડીયો ઘુવડ, કરબડી (જરબીલ), બે પ્રકારના નોળીયા, દૂધરાજ, નવરંગ, હરિયલ, ડૂબકી, ચોટાલીયો સાપમાર, કાઠ્‌થાઈ માખીમાર વિગેરે જેવા અનેક દુર્લભ વન્યજીવો બરડા અભયારણ્યમાં નિવાસ કરે છે. કેટલાક પક્ષીઓ દૂરસુદૂરથી માત્ર પ્રજનન માટે બરડા અભયારણ્ય વિસ્તાર પસંદ કરે છે. આવા ભૂમાફિયાઓના કાળા કારનામાઓને કારણે જંગલની જમીન પર અનધિકૃત દબાણ કરીને ત્યાં મોટા વાહનો ચલાવવાથી ટાયર નીચે તેમના આવાસ નાશ પામવાથી જાણે-અજાણે કેટલા અબોલ પશુના જીવ ગયા હશે ? કેટલા પક્ષીઓના નિવાસસ્થાન છીનવાઇ ગયા હશે ?
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૮૦ ની કલમ ૨૯ની જોગવાઈ મુજબ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિએ અભયારણ્યમાંથી કોઈ પણ વન્યજીવ, વનપેદાશનો નાશ ન કરવો, શોષણ ન કરવું કે દુઃખ કરવું નહી. કોઈ પણ વન્યપ્રાણીના વસવાટને નષ્ટ કે નુકસાન કે બદલી શકાય નહી. અભયારણ્યમાંથી અથવા બહારથી વહેતા પાણીની દિશા બદલી, રોકી અથવા પ્રવાહ વધારી શકાતી નથી. આવા કાયદાઓ હોવા છતાં પણ કેટલાક ભૂમાફિયાઓ દ્વારા આવી રીતે જંગલની જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જંગલમાં ખનિજમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર પેશકદમી, અતિક્રમણ અને દબાણ થતાં હોય છે, ત્યારે વનવિભાગનાં અધિકારીઓ પોતાની ફરજને પ્રાથમિકતા આપી કાર્યવાહી કરી રહ્યા છે. જંગલ બચાવવું હશે, વન્યજીવો બચાવવા હશે, તો કડક હાથે કાર્યવાહી કરવી જ પડશે. વન અને વન્યજીવો સમૃદ્ધ હશે તો કુદરતનું ચક્ર સંતુલિત રહેશે. કુદરતનું ચક્ર અસંતુલિત થશે તો આપણું અસ્તિત્વ શોધ્યું પણ નહી જડે !!
બરડા અભયારણ્યની આજુબાજુ કેટલાંક ખનિજમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ પણ કરવામાં આવી રહ્યું છે જે પણ વન્યજીવોને માટે નુકશાનકર્તા છે. જેથી ખાણ ખનીજ વિભાગને પણ આની સામે કાયદેસરના પગલાં ભરવા જરુરી છે.
હાલમાં માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ ગણાતો સિંહ બરડા વિસ્તારમાં પોતાનું નિવાસસ્થાન બનાવીને પોતાનો પરિવાર વધારી રહયો છે, ત્યારે ભૂમાફિયાઓની પ્રવૃત્તિઓથી બરડા ઉપરાંત સિંહને પણ નુકસાન થાય તેમ છે. સંબંધિત વિભાગોમાં અધિકારીઓની નિમણૂંક થાય તથા તેઓને આ માટે Zero Tolerance Policy રાખવા માટે કડક સૂચના અપાય તે જરુરી છે.