બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર આજે બે અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. બનાવને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.
અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર આજે બે જગ્યાએ બે અકસ્માતો સર્જાયા હતા.જેમાં ભડથ ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પવન ચક્કીનું પાંખીયું લઈને જતા ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રેલર અને ટ્રક વચ્ચે ઇકો ગાડી ફસાઇ જતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. અકસ્માત એટલો ગોઝારો હતો કે ઇકો ગાડીના પતરા કાપીને ચાલકની લાશને બહાર કાઢી હતી.
આ સિવાય અમીરગઢના જોરાપુરા પાટીયા પાસે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામસામે અથડાતાં સર્જાયેલા આ અકસ્માતમાં બાઈકચાલક ચેહરસિંહનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. બનાવને પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર જિલ્લામાં એક હૃદયદ્વાવક અકસ્માતની ઘટના બની હતી. અહીં જન્મદિવસે જ યુવકનો અકસ્માત થતા કાળ બની ભરખી ગયો હતો.એક્ટિવા ઉપર જતાં ત્રણ મિત્રોને ડમ્પરે અડફેટે લીધા હતા. જેના પગલે એક મિત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જેનો જન્મદિવસ હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજો મિત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.