બનાસકાંઠા જિલ્લોના ખાણ-ખનીજ વિભાગે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિભાગે સરકાર દ્વારા આપવામાં આવેલા મહેસુલી આવકના લક્ષ્યાંકને પાર કરીને ૨૦૧ કરોડથી વધુની આવક મેળવી ૧૨૨% કામગીરી નોંધાવી છે, જે રાજ્ય સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે.
સરકાર દ્વારા શરૂઆતમાં ૧૩૨ કરોડનો આવક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેને વિભાગે જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ લક્ષ્યાંક વધારી ૧૬૪ કરોડ કરવામાં આવ્યો હતો, છતાં વિભાગે આયોજનબદ્ધ કામગીરી દ્વારા ૨૦૦ કરોડથી વધુ આવક મેળવી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સફળતા માટે મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભૂસ્તરશાસ્ત્ર ગુરપ્રીત સિંહ સારસ્વા અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લાએ માત્ર કાયદેસરની આવકમાં જ નહીં, પરંતુ ખનીજ ચોરી સામેની કાર્યવાહીમાં પણ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન કુલ ૧૧૯૭ ખનીજ ચોરીના કેસો પકડી પાડવામાં આવ્યા છે અને ૨૨.૫૬ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. આ સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ૧૨ પોલીસ ફરિયાદો તથા ૧૪ કેસો સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લાની આવકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૨.૪૪ કરોડથી શરૂ થયેલી આવક ૨૦૨૩-૨૪માં ૯૬.૩૧ કરોડ, ૨૦૨૪-૨૫માં ૧૦૫.૨૯ કરોડ અને ચાલુ વર્ષમાં ૨૦૧ કરોડથી વધુ સુધી પહોંચી છે, જે વિભાગની સતત સુધરતી કામગીરી દર્શાવે છે.
વિભાગ દ્વારા ખનીજ ચોરી રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને કાયદેસર ખનન તથા રોયલ્ટી વસુલાત વધારવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુરપ્રીત સિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે કમિશ્નર ડા. ધવલ પટેલના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસનના સહયોગથી વિભાગ ભવિષ્યમાં પણ વધુ સશક્ત કામગીરી ચાલુ રાખશે. આ રીતે બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે માત્ર લક્ષ્યાંક પાર કર્યો નથી, પરંતુ રાજ્યમાં એક નવી કાર્યક્ષમતાની મિસાલ પણ સ્થાપિત કરી છે.