બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક મહિલાએ પાંચ લોકો સામે સામૂહિક દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ ઉભું કર્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ પીડિત મહિલા અગાઉથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હતી. આ દરમિયાન તે તેના પતિના મિત્રના સંપર્કમાં આવી, જેમણે સારવાર અને સહાયના બહાને તેની સાથે નજીકતા વધારી. વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ મહિલાને પોતાના જાળમાં ફસાવી લીધી. આ સંબંધની જાણ થતાં જ મહિલાના વૈવાહિક જીવનમાં મતભેદ ઊભા થયા અને અંતે પતિ-પત્ની અલગ થઈ ગયા.
આ તરફ મુખ્ય આરોપી સાથે રહેતી મહિલાનો આરોપ છે કે, તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય આરોપીઓએ પણ મળીને સામૂહિક રીતે શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપીઓએ મહિલાના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને દબાણ હેઠળ સંબંધ જાળવવા મજબૂર કરી.
આ સાથે મહિલાએ વધુમાં જણાવ્યું કે આરોપીઓએ તાંત્રિક વિધિના નામે તેની સાથે છેતરપિંડી કરી અને પછી તેને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું. તેને કલમા પઢાવવામાં આવી અને બુરખો પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી. લગભગ બે વર્ષ પહેલા તેને ઉનાવા નજીકની એક દરગાહ પર લઈ જઈ બળજબરીથી નમાઝ પણ પઢાવવામાં આવી હતી અને તેનું નામ પણ બદલવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
આ મામલે થરાદ, ડીસા અને ધાનેરા વિસ્તારોના પાંચ આરોપીઓ અખ્તરશા ફકીર,આરીફ ફકીર,ઇલિયાસ ફકીર,દિલાવરસા જુનેજા,સાહિલ ફકીર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી છે.