ગુજરાત ભરમાં એસઆઇઆરની પ્રક્રિયા સામે ઉઠેલા સવાલો બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ એસઆઇઆરની કામગીરી અને જાહેર કરેલી મતદારયાદી સામે કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઇઆર કામગીરીના વિરોધમાં પાલનપુર કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. કોંગ્રેસે મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થવાની આશંકા વ્યક્ત કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એટલે કે એસઆઇઆર કામગીરી સામે કોંગ્રેસે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા બાદ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે અંદાજે ૬૦ હજાર જેટલા ભાજપના ડમી કાર્યકર્તાઓના નામ મતદાર યાદીમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ જીવતા મતદારોને મરેલા જાહેર કરી મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે એસસી એસટી લઘુમતી અને ઓબીસી સમાજના મતદારોના નામ ખાસ કરીને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
પાલનપુરના નગરસેવિકા આશાબેન રાવલે પણ પાલનપુર શહેરમાં ૧૨ હજાર જેટલા મતદારોના નામો કમી કરાયા હોવાના આક્ષેપો કર્યા છે, તેમનું કહેવું છે કે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તે પણ ધ્યાનમાં નથી લેવામાં આવી રહ્યો, જે પુરાવાઓ માંગવામાં આવે છે તે બાબતે પણ લોકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના મતદારોની સંખ્યા ઘટાડવાનો સરકારનો પ્રયત્ન હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે બી.એલ.ઓ દ્વારા ખોટી કામગીરી કરવામાં આવી છે અને વાંધા અરજીઓના નામે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આ તમામ વાંધા-વધારા જાહેર કરવામાં આવે અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જા આવનારા સમયમાં કમી કરાયેલા મતદારોના નામ મતદાર યાદીમાં ફરીથી નહીં જાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.










































