બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ માહિતીના આધારે વાવમાં આવેલી સુરભી ટ્રેડર્સ નામની દુકાન પર દરોડા પાડી ૫૫૩ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે ૩.૯૫ લાખ રૂપિયા જેટલી છે. ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગને ગુપ્ત માહિતી મળી હતી કે વાવ વિસ્તારમાં સુરભી ટ્રેડર્સ દ્વારા શંકાસ્પદ ઘીનું વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી. ફૂડ સેફ્ટી ટીમે સુરભી ટ્રેડર્સ પર દરોડા પાડી, જ્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા.
ટીમે દુકાનમાંથી ૫૫૩ લિટર ઘીના ડબ્બા કબજે કર્યા, જેની અંદાજિત કિંમત ૩.૯૫ લાખ રૂપિયા છે. આ ઘીની ગુણવત્તા અંગે શંકા હોવાથી તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહીમાં સુરભી ટ્રેડર્સના માલિક ધનેશ્વર બ્રાહ્મણ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઘીની ગુણવત્તા, તેનો †ોત અને વેચાણની પ્રક્રિયાની વિગતો ખંખેરવામાં આવશે.





































