બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ડીસા ખાતે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ડીસા ઓવરબ્રિજ પર આ ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માત બાદ ઇસબગુલ ભરેલો ટ્રક બ્રિજ પર જ પલટી ગયો હતો. જેના પગલે એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ટ્રેલરને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ડીસાના નવા ઓવરબ્રિજ પર રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયું છે.
આ મામલે ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે ડીસા માર્કેટયાર્ડમાં જવા માટે ઇસબગુલ ભરેલો એક ટ્રક રોંગ સાઇડમાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેની ટક્કર એક ટ્રેલર સાથે થઈ હતી.