બનાસકાંઠા જિલ્લામાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવતો એક બનાવ બન્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. પોલીસકર્મીએ શા માટે આપઘાત કરી લીધો છે તેની કોઈ વિગત હાલ સામે આવી નથી. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જાવા મળી નથી.