હાસ્યાય નમઃ 117

(1)સુશીલ, સંસ્કારી,શાંત, શિક્ષિત, સ્વરૂપવાન પત્નીને એક વાક્યમાં શું કહેવાય?

સંજયભાઈ જોશી (બાબરા)

માત્ર આટલા ગુણ માટે એક વાક્ય શું કામ બગાડવું? એક શબ્દમાં જ કહી શકાય: કલ્પના !

(2)મારા પતિ ઘરમાં ઓછા અને બહાર વધારે રહે છે.શું કરવું?

સપના શ્રીવાસ્તવ (અમદાવાદ)

ઘેર આવે ત્યારે ગીત ગાજો: આયે હો મેરી જિંદગી મેં તુમ ‘બહાર’ બન કે!

(3)લગ્નમાં વરઘોડો નામ કેમ પડ્યું હશે?

અનિરુદ્ધસિંહ રાઠોડ (નવા વાઘણીયા)

ઘોડોવર સારું ન લાગેને.

(4) તમારે તો સપ્તપદી પાકી થઈ ગઈ હશેને એટલે કે જીવનમાં ઉતરી ગઈ હશે ને?

રિદ્ધિશ ગેડિયા (રાજકોટ)

મારા લગ્નમાં સપ્તપદી વાંચતી વખતે ગોરદાદાને ઉધરસ ચડી હતી એટલે બરાબર સાંભળી નહોતી! આમાં પાછું જોવાનું એ કે પતિની ફરજો વાંચતી વખતે જ દાદાને ઉધરસ ચડી!

(5)માનવી મનપસંદ ભોજનથી સંતોષ પામે છે પરંતુ અઢળક સંપત્તિ  એકત્રિત કરવામાં સંતોષ કેમ પામતો નથી?

ડાહ્યાભાઈ ઝ. આદ્ગોજા (લિલિયા મોટા)

તમે મને (તમારા ઘેર) મનપસંદ ભોજન કરાવો. હું તમારી અઢળક સંપત્તિ સામે નજર પણ કરું તો કહેજો.

(6) વર્ષોથી સાત વાર છે. હવે એકાદ વાર કાઢી નાખવો જોઈએ એવું તમને નથી લાગતું?

મનસુખભાઈ મકવાણા (શિહોર)

રવિવાર ન કાઢતા !

(7)દિકરી પારકી થાપણ કહેવાય તો‌ દિકરો ?

મહેશ સિધ્ધપુરા (બાબરા)

દીકરાને જે કહેવું હોય એ કહો. એણે કાનમાં ભૂંગળી નાખી છે,નહિ સાંભળે..!

(8) અત્યારની સામાજિક સ્થિતિ જોતાં,  એ જે કે તે ને અપમાનજનક ન લાગે માટે એ જે કે તે ને ‘વાંઢો’ કે ‘વાંઢી’ એમ ચોક્કસ કઇ ઉમરથી ગણવાં જોઇએ?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)

ઓછામાં ઓછા દસ જગ્યાએથી સામેવાળા ના પાડી દેય અને છેલ્લા એક વર્ષથી એકપણ માગું આવ્યું ન હોય એ જે કે તે ને તમે આપવા માંગો છો એ બિરુદ આપી શકો.

(9)લગ્ન જીવનમાં ઝઘડો ના થાય એ માટે શો  ઉપાય કરવો જોઈએ?

હરપાલસિંહ જે.ઝાલા (ભોયકા-લીંબડી)

લગ્ન ન કરવા જોઈએ.

(10)એક ગીત સાંભળવામાં આવ્યું, ‘મન મોર બની થનગાટ કરે’… આમાં બીજા પક્ષીઓ ને પ્રાણીઓને અન્યાય ન થયો?

-આર. એચ. પટેલ (ગાંધીનગર)

જી ના, આમાં મારી દ્રષ્ટિએ મોરને અન્યાય થયો ગણાય. આટલા બધા પક્ષીઓ અને પ્રાણીઓમાં માત્ર મોરને જ થનગનાટ કર્યા કરવાનો? ઢેલ પણ નારાજ થઈને કહે છે કે તમે જ છો નવરા તે થનગનાટ કર્યા કરો છો!

(11) હવે આ કોલમમાં કોરોનાના સવાલ કેમ નથી આવતા?

પ્રવીણ પટેલ (જામનગર)

ક્યાંથી આવે? આખી કોલમ સેનેટાઇઝ કરી છે.

(12) આંબાનું ઝાડ વાવવા પહેલી ગોટલી ક્યાંથી લાવ્યા હશે?

જય દવે (ભાવનગર)

હાશ, સારું છે કે કોઈને એવો સવાલ નથી થતો કે આ કોલમ ચાલુ થઈ ત્યારે પહેલો સવાલ ક્યાંથી લાવ્યા હશે?!

(13) જંગલમાં સિંહ તમારી પાછળ દોડ્યો હોય અને તમારા ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય તો તમે શું કરો?

રમણિકભાઈ ઝવેરભાઈ ( કેશોદ)

ખબરદાર આગળ બોલ્યા છો તો…તમે મારી પાછળ સિંહ દોડાવ્યો તો પણ હું ચૂપ રહ્યો.. પણ મારા મોબાઈલને કાઈ થયું તો મૈં ચૂપચાપ બેઠનેવાલો મે સે નહિ..!

(14) આ કોલમના લેખક તરીકે તમે કોઈ વિશિષ્ટ લાગણી અનુભવો છો?

ઉન્નતિ મહેતા (રાજકોટ)

હા, સામાન્ય રીતે લોકોના જીવનમાં પ્રશ્ન આવે તો મૂંઝવણ થાય.મને  પ્રશ્ન ન આવે તો મૂંઝવણ થાય!

(15)બધું  ડિજિટલ થઈ ગયું પણ શું જૂનુંને જૂનું રહ્યું?

મગનભાઈ મકવાણા (અમરેલી)

એસ.ટી. બસની ઘંટડી…!