નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ ૨૦૨૬-૨૭ માટેનું બજેટ રજૂ કરશે. ભાજપે બજેટમાં શરૂ કરાયેલી જાહેરાતો અને નવી યોજનાઓને જનતા સુધી પહોંચાડવાની યોજના વિકસાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાસક પક્ષે આ બજેટ માટે વ્યાપક પ્રચાર અભિયાનનું આયોજન કરી લીધું છે, જેથી બજેટની જાહેરાતો અને નીતિઓ સીધી જનતા સુધી પહોંચાડી શકાય.
ભારતીય જનતા પાર્ટીએ બજેટના પ્રચાર માટે વિગતવાર કાર્ય યોજના તૈયાર કરી છે. પાર્ટીનો હેતુ ૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી બજેટ પ્રચાર અભિયાન શરૂ કરવાનો છે. આ માટે, પાર્ટીએ બજેટ પ્રચાર અભિયાન ૨૦૨૬ નું આયોજન કર્યું છે, જેમાં ૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થશે.
આ સમયગાળા દરમિયાન, બધા કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બજેટના મુખ્ય મુદ્દાઓ જનતા સમક્ષ રજૂ કરવા માટે વિવિધ સ્થળોએ પ્રેસ કોન્ફરન્સ કરશે. ભાજપે દેશભરમાં આશરે ૧૫૦ સ્થળોએ પ્રેસ કોન્ફરન્સ યોજવાની યોજના બનાવી છે. આ કાર્યક્રમો દ્વારા, સરકાર બજેટના મુખ્ય મુદ્દાઓ અને અર્થતંત્રને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંને ઉજાગર કરશે.
આ ઉપરાંત, સોશિયલ મીડિયાને પણ આ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવ્યો છે. બજેટના મુખ્ય મુદ્દાઓનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર કરવામાં આવશે. બજેટના પ્રચાર માટે સોશિયલ મીડિયા પ્રભાવકોને જાડવામાં આવશે, અને બજેટ સંબંધિત માહિતી રીલ્સ દ્વારા સરળ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવશે. પાર્ટીનો હેતુ યુવાનો સુધી બજેટનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવાનો પણ છે.
આખું બજેટ અભિયાન ભાજપના રાષ્ટીય  મહાસચિવ તરુણ ચુઘના નેતૃત્વ હેઠળની ટીમને સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં સરોજ પાંડે, શ્રીકાંત શર્મા, નરેન્દ્ર રૈના જીવીએલ નરસિંહ રાવ, ગોપાલ કૃષ્ણ અગ્રવાલ, અનિલ એન્ટની, સંજય ટંડન અને ગુરુ પ્રકાશ પાસવાનનો સમાવેશ થાય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ૯મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ પહેલા સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૭.૦ ટકા રહેવાનો અંદાજ છે. સર્વે અનુસાર, સ્થાનિક સુધારાઓ અને સરકારી રોકાણને કારણે વૈશ્વિક પડકારો છતાં દેશના અર્થતંત્રની આંતરિક તાકાત સતત વધી રહી છે.