(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
દેશમાં ફુગાવો અને મોંઘવારીનાં ઊંચાં પ્રમાણને કારણે હવે રજૂ થનારા નવી સરકારનાં બજેટમાં ઈન્કમટેક્સનાં નીચલા સ્લેબમાં આવતા લોકોને આવકવેરામાં રાહત આપવી જાઈએ તેવી માગણી કોન્ફેડરેશન ઓફ ઈન્ડયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) નાં નવા અધ્યક્ષ સંજીવ પુરી દ્વારા કરવામાં આવી છે.પુરીએ જમીન, શ્રમ, વીજળી અને કૃષિ ક્ષેત્રને લગતા તમામ સુધારાને સફળતાપૂર્વક આગળ વધારવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સર્વસંમતિ સાધવા માટે સામૂહિક મંચ રચવા ભાર મૂક્યો હતો. ગઠબંધનની મોદી સરકારનાં ત્રીજા કાર્યકાળમાં સાથી પક્ષોની મજબૂરી સુધારા આગળ ધપાવવા અવરોધક બનશે નહીં તેવો વિશ્વાસ પુરીએ વ્યક્ત કર્યો હતો. પુરીએ આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૪-૨૫નાં પૂર્ણ બજેટમાં સરકાર દ્વારા મોટાપાયે મૂડી ખર્ચ વધારવા અને રાજકોષીય ખાધ ઘટાડવા પગલાં લેવામાં આવશે. સામાજિક ક્ષેત્રે રોકાણ માટે નવી રૂપરેખા ઘડવામાં આવશે અને ગ્રામીણ ક્ષેત્રે વધુ રોકાણ આકર્ષવા પગલાં લેવાશે. દેશમાં ખાદ્ય પદાર્થો જેમાં ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓનાં ભાવમાં વધારાને કારણે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો સતત ત્રીજા મહિને વધીને ૨.૬૧ ટકા થયો હતો. જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો તેનાં અગાઉનાં મહિને ૧.૨૬ ટકા હતો. મે ૨૦૨૩માં તે માઈનસ ૩.૬૧ ટકા નોંધાયો હતો.પુરીએ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને દેશમાં સારો વરસાદ પડશે. જેને કારણે ગ્રાહક ભાવ આધારિત ફુગાવો આ વર્ષે ૪.૫ ટકાની આસપાસ રહી શકે છે. ટેક્સનાં માળખામાં સુધારા ચાલુ રહેવા જાઈએ તેવો તેમનો મત હતો. મૂડીલાભની જાગવાઈને સુસંગત કરવા તેમણે માગણી કરી હતી.