ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે નીચા બંધ રહ્યા હતા, જેણે પાછલા સત્રથી તેમની ખોટ લંબાવી હતી. સેન્સેક્સ ૫૫.૪૭ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકાના ઘટાડા સાથે ૭૯,૪૮૬.૩૨ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૧.૧૫ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૨૪,૧૪૮.૨૦ પર બંધ થયો હતો.
એનએસઇના ડેટા અનુસાર પીએસયુ બેન્ક, મીડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરલ ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટતા શેરો હતા. બજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણ ચિંતાનો વિષય છે. ઓક્ટોબરમાં, એફપીઆઇએ રૂ. ૯૪,૦૧૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જેનાથી બજારમાં દબાણ વધ્યું હતું અને તેઓ ચાર મહિના સુધી સતત ખરીદદારો રહ્યા પછી ભારતમાં ચોખ્ખા વેચાણકર્તા બન્યા હતા.
સેન્સેક્સના ૩૦ શેરોમાં એશિયન પેઈન્ટ્‌સ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક સૌથી વધુ ઘટ્યા હતા. વધનારાઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, નેસ્લે અને હિન્દુસ્તાન યુનિલિવર હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. ૪,૮૮૮.૭૭ કરોડની ઇકવિટી વેચી
હતી.
એશિયન બજારોમાં સિયોલ, શાંઘાઈ અને હોંગકોંગમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ટોક્યોમાં સકારાત્મક વલણ જાવા મળ્યું હતું. યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. વોલ સ્ટ્રીટ ગુરુવારે મોટે ભાગે ઊંચી બંધ હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૨૮ ટકા ઘટીને ૭૪.૬૬ ડોલર પ્રતિ બેરલ થયું છે. ગુરુવારે  સેન્સેક્સ ૮૩૬.૩૪ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા ઘટીને ૭૯,૫૪૧.૭૯ પર બંધ થયો હતો. નિફ્ટી ૨૮૪.૭૦ પોઈન્ટ અથવા ૧.૧૬ ટકા ઘટીને ૨૪,૧૯૯.૩૫ પર બંધ રહ્યો હતો.
જિયોજિત ફાઇનાન્શીયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “નિરાશાજનક કમાણી અને એફપીઆઇના સતત ઉપાડને કારણે રોકાણકારો સાવચેત રહ્યા હતા, જેના કારણે બજાર સુસ્ત રહ્યું હતું યુએસ એફઇડીએ અર્થતંત્રને ઉત્તેજન આપવા માટે તેના દર-કટીંગ ચક્રને લંબાવ્યું છે.” “વ્યાજ દરોમાં ૨૫ બીપીએસનો ઘટાડો કરવાનું ચાલુ રાખ્યું છે. ફુગાવાને હળવો કરવા માટે ડિસેમ્બરમાં આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકમાં સમાન કાપની અપેક્ષા છે.”
“જો કે, ભારતમાં ફુગાવો ઓક્ટોબરમાં વધવાની ધારણા છે અને મજબૂત યુએસ ડોલરને કારણે, આરબીઆઈ નજીકના ગાળામાં દરો હોલ્ડ પર રાખવાનું પણ વિચારી શકે છે,” નાયરે જણાવ્યું હતું. સળંગ ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે, શુક્રવારે રૂપિયો યુએસ ડોલર સામે ૫ પૈસા ઘટીને ૮૪.૩૭ (કામચલાઉ) ની નવી સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઘટાડો વિદેશી મૂડીની સતત ઉપાડ અને સ્થાનિક શેરબજારોમાં નરમ વલણને કારણે થયો હતો.
ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાનો તાજેતરનો નિર્ણય વૈશ્વીક નાણાકીય લેન્ડસ્કેપમાં ફેરફારનો સંકેત આપે છે. તદુપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પની કર અને વેપાર નીતિઓ વૈશ્વીક બજારોને અસર કરી રહી છે, રૂપિયાની ગતિ ફરી અસ્થિર બની શકે છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો ૮૪.૩૨ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સ્થાનિક ચલણ ૮૪.૩૧ની ઊંચી અને ૮૪.૩૮ની નીચી સપાટીને સ્પર્શ્યું હતું. છેલ્લે તે તેના અગાઉના બંધ ભાવ કરતાં ૫ પૈસાના ઘટાડા સાથે ૮૪.૩૭ (કામચલાઉ) પર બંધ થયો હતો.ગુરુવારે, રૂપિયો ૧ પૈસા ઘટીને યુએસ ડાલરની સામે ૮૪.૩૨ ના નવા સર્વકાલીન નીચા સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ સત્રમાં સ્થાનિક ચલણ ડોલર સામે ૨૮ પૈસા નબળું પડ્યું છે.