શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી તાંત્રિક વિધિ કરવાના બહાના હેઠળ લાખો રૂપિયા પડાવી લેનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ જાહેરાતો આપીને લોકોને ફસાવતો હોવાની પોલીસને આશંકા છે. મૂળ રાજસ્થાનના બીકાનેરના રહેવાસી રામપ્રતાપ ભાર્ગવ નામના આરોપીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ અન્ય એક મહિલા આરોપી સાથે મળીને અલગ અલગ તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા ૧૪ લાખ ૧૮ હજાર પડાવી લીધા હતા. જે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવને લઈને જા વિગતવાર વાત કરીએ તો, ગત ફેબ્રુઆરી મહિનામાં મહિલા જ્યારે યુટ્યુબ જાઈ રહી હતી તે દરમિયાન એક તાંત્રિક બાબા – બ્લેક મેજિક બાબાના નામે જાહેરાત જાઈ હતી. જેથી મહિલાએ તેમાં આપેલ મોબાઇલ નંબર પર ફોન કરીને તેના પતિ અને દીકરાના એક જ વર્ષમાં થયેલા મોત બાબતે વાતચીત કરી હતી.આરોપીએ પ્રથમ તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા ૧૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ કોઈએ અઘોરી વિદ્યા કરેલ છે જેના માટે લેડીઝ તાંત્રિક ગુરુ માતાની જરૂર પડશે. તેમ કહીને આરોપીએ વિજેદ્રાદેવીનો સંપર્ક કરાવ્યો હતો. મહિલાએ પણ એવું જ કહ્યું હતું કે તમારા પર કોઈએ મેલી વિદ્યા કરેલ છે જેથી તું પણ થોડા સમયમાં મરી જઈશ. જેથી બચવા માટે તારે તાંત્રિક વિદ્યા કરવી પડશે.ઉલ્લેખનીય છે કે, આરોપીએ મહિલાને ડરાવી ધમકાવીને અલગ અલગ સમયે તેની પાસેથી કુલ ૧૪ લાખ ૧૮ હજાર પડાવી લીધા હતા. આરોપી છેલ્લા એક વર્ષથી આ યુટ્યુબ ચેનલ ધરાવતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જાકે પોલીસને આશંકા છે કે આરોપીએ આ રીતે અન્ય લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યા હોઈ શકે છે.










































