સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે એક માથાભારે શખ્સના ત્રાસથી ગ્રામજનોએ આ શખ્સ સામે પગલા લેવા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે, આ શખ્સ ગમે ત્યારે અને ગમે તેની ઉપર ખોટી ફરિયાદ કરે છે અને તેમના શરીરે જાતે ઉજરડા કરીને એટ્રોસીટી જેવી ફરિયાદ કરવાની ધમકી પણ આપે છે. અમો હાલ જે ફરિયાદ કરીએ છીએ તેમાં ગામના લોકોની સહીઓ કરાવી છે, જેમાં આ શખ્સના સગાભાઇ અને તેમના કુટુંબના કાકા-દાદાના ભાઇઓએ પણ સહી કરી આપેલ છે. આ શખ્સ પર ગામલોકો તથા જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદના આધારે તપાસ કરીને આ વ્યક્તિને કાયમી ધોરણે અમરેલી જિલ્લા બહાર મોકલી આપવા તથા તેની વિરૂધ્ધ કાયમી ધોરણે ગામલોકોને તથા અન્ય ભોળા વ્યક્તિઓને પરેશાન તેમજ ગામની બહેન-દીકરીઓની છેડતી કરતો હોય તેમજ દારૂ અંગેની પ્રવૃત્તિઓ કરતો હોય તે બાબતની તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લેખિતમાં ફરિયાદ છે.