બગસરા શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર ગંદકી, પાણીના ખાબોચિયા અને મચ્છરોના ઉપદ્રવના લીધે શહેરમાં ઘરે-ઘરે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. પાલિકા દ્વારા સફાઈ અને દવાના છંટકાવના અભાવે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરની સરકારી હોસ્પિટલમાં હાલમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, પેટમાં દુઃખાવો અને કમળાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દૈનિક ૩૦૦થી ૩૫૦ જેટલા કેસ સામે આવતા, સમગ્ર શહેરમાં રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર શહેરની જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની માંગ છે કે આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર તાત્કાલિક ખડેપગે રહે અને ગંભીર પગલાં ભરે. પાલિકાની બેદરકારી સામે ઊભરી રહેલા આક્રોશને કારણે પ્રશાસનની કામગીરી પર સવાલો ઉભા થયા છે.





































