બગસરા શહેરમાં નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં મારુતિનગર શેરી નંબર ૨ માં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સદસ્યો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા અંતે રહીશો દ્વારા પાલિકા પ્રમુખને અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે રહીશો ભયંકર હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે હાલમાં રસ્તાની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા દોઢ મહિનાથી મીઠું પાણી પણ આવતું નથી. જેના લીધે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ બાબતે પાલિકા પ્રમુખે તમારો પ્રશ્ન થોડા સમયમાં હલ થઈ જશે તેવો જવાબ આપેલ હતો. પરંતુ આવો જવાબ વારંવાર મળવાના લીધે જો પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો ઉપર સુધી રજૂઆત કરીશું તેમ જ ઉગ્ર આંદોલન પણ કરીશું તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું. જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ. વી. રીબડીયાને પૂછતા તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં નવી પાઇપલાઇન નાખીને તેમજ વાલ્વ મૂકીને આ તમામ પ્રશ્ન હલ કરી આપીશું.