અગાઉ બગસરા તાલુકામાં દીપડાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. છેલ્લા બે દિવસથી બગસરાના નટવર નગરની સીમમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. તેમજ બુધવારે બકરાનું મારણ કરતા આ દીપડાને તાત્કાલિક પકડવા માંગ ઉઠી છે. મળેલ માહિતી મુજબ બગસરા તાલુકામાં ફરીવાર દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. જેમાં બુધવારે નટવર નગરની સીમમાં ખેતરમાં રહેલા બે બકરાનું મારણ કરેલ હતું. અગાઉ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર, સાપર, સુડાવડ, લુંઘીયા વગેરે ગામની સીમમાં પણ દીપડો દેખાયો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી નટવર નગરની સીમમાં દીપડાના આંટાફેરાને કારણે ખેતરમાં રહેલા મજૂરો પણ ખેતરમાં જતા ડરી રહ્યા છે. એક વખત વન વિભાગના પાંજરામાંથી પણ મારણ લઈને નાસી છૂટેલ આ દીપડો કોઈપણ વ્યક્તિનો ભોગ લે તે પહેલા તેને પકડવા વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.









































