રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા બગસરા ખાતે ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલમાં નવી સાયન્સ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવતા કોલેજમાં નવા એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સમાચાર મળતા જ સાયન્સના વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આ સાયન્સ કોલેજનું સંચાલન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ કોલેજમાં વિદ્યાર્થીઓને બેચરલ ઇન સાયન્સ કોર્સના કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂઓલોજી તથા મેથ્સમાં એડમિશન આપવામાં આવશે. આ કોલેજ શરૂ થતા બગસરા તથા આસપાસના વિસ્તારના વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને શિક્ષણ માટે તથા રોજગારી ક્ષેત્રે ઉત્તમ તકો મળશે. નવી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ નજીવી ફીમાં એડમિશન મેળવી શકશે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહિતના લાભો પણ આપવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.