બગસરા બાયપાસ નજીક આવેલા અટલજી પાર્ક પાસે કારચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી બે બાઈક ચાલકોને ફંગોળતા એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. જયારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ સુરતથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે આવેલા દંપતી લખન દેવસીભાઈ સતાસીયા અને તેના પત્ની વર્ષાબેન મતદાન કર્યા પછી ડેરીપીપરીયા ગામે સબંધીને ત્યાં મળવા ગયા હતા જયાંથી પરત નાના મુંજીયાસર આવી રહ્યાં હતા ત્યારે અટલજી પાર્ક પાસે કારચાલકે અડફેટે લીધા હતા કારચાલકે અડફેટે લેતા લખન દેવસીભાઈ સતાસીયાનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. તો બગસરાના મનસુખભાઈ માળવી અને તેના છ વર્ષના પુત્રને પણ અડફેટે લેતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ મારફતે પ્રથમ બગસરા સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં નાના મુંજીયાસરના યુવાનનું મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.