બગસરાથી મહુવા વાયા ખાંભા-રાજુલા એસ.ટી.બસ છેલ્લાં ૧પ વર્ષથી નિયમિત રીતે ઉપડતી હતી પરંતુ બગસરાના એસ.ટી.ડેપોની અણઆવડતને કારણે આ બસ છેલ્લાં ઘણા સમયથી બંધ કરી દેવામાં આવતા બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર જાવા મળી રહી છે. મહુવાથી બગસરા જતી વખતે આ બસમાં રાજુલાથી કંથારીયા જતાં માટે ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ કરશનભાઈ ભીલ તથા અનિરૂધ્ધભાઈ વાળા દ્વારા એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજૂઆત પણ કરી છે પરંતુ હજુ સુધી બસ શરૂ કરવા માટે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. ડેડાણ ગામમાં કોઈ એસ.ટી.બસ આવતી ન હોવાની માહિતી મળી છે જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આમ, ડેપો મેનેજરના મનઘડંત નિર્ણયને કારણે બગસરા-મહુવા બસ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

વિદ્યાર્થીઓ મોતની મુસાફરી કરી રહ્યાં છે
બગસરા-મહુવા બસ બંધ હોવાથી રાજુલાથી કંથારીયા જવા માટે વિદ્યાર્થીઓને ના છુટકે ભાર રીક્ષામાં ઘરે પહોંચવુ પડે છે. રીક્ષામાં વિદ્યાર્થીઓ મોતની મુસાફરી કરી રહ્યાં હોવા છતાં એસ.ટી.ના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી

સાંસદ સહિતના આગેવાનોને રજૂઆત
બગસરા-મહુવા બસ છેલ્લાં ઘણા દિવસોથી બંધ હોવાથી વિદ્યાર્થીઓની સાથે આ ગ્રામજનો પણ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. બસ શરૂ થાય તે માટે સાંસદ નારણભાઈ કાછડીયા, હીરાભાઈ સોંલંકી સહિતના આગેવાનોને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બસ શરૂ થઈ નથી.