અમરેલી જિલ્લાની બહુ ચર્ચિત ઘટનામાં નવો વળાંક આવ્યો…..
બે માસ પૂર્વે ધારાસભ્યના પુત્ર તથા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મ સહિતના બનાવમાં ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને અરજી કરવા છતાં ફરિયાદ દાખલ કરેલ ન હતી. જેને કારણે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા પ્રથમ સુનવણીમાં જ આ અરજીને રદ્દ કરી દેતા સમગ્ર બનાવમાં નવો વળાંક આવ્યો છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર તથા ધારાસભ્યના પુત્ર પર હની મહેન્દ્રભાઈ ધડુક નામની મહિલાએ દુષ્કર્મ, વિદેશી ગાંજાની દાણચોરી, તેમજ ધાક-ધમકી આપવાના આક્ષેપ કર્યા હતા તેમજ તેની સાથે થયેલ અન્યાય બાબતે એસ.પી. જૂનાગઢ તેમજ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. પોલીસને પ્રથમ તપાસમાં કોઈ પુરાવા ન મળતા એફ.આર. આઈ. દાખલ કરવામાં આવી નહતી જેને પગલે મહિલા દ્વારા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ ન કરવા બદલ ગુજરાત સરકાર, જિલ્લા પોલીસ વડા જૂનાગઢ, પી.આઇ. તાલાલા તથા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા પ્રથમ સુનાવણીમાં જ આ કરવામાં આવેલી રિટને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા તેમજ કાયદા સાથે સુસંગત ન હોવાથી રદ્દ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન માસમાં આ મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપને કારણે સમગ્ર અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. હવે હાઇકોર્ટે આ રિટ ખારિજ કરી દેતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.







































