બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગોલવેલકરની સીધી રાહબરી હેઠળ આજરોજ બગસરા પોલીસ સર્વેલન્સ ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસને હ્યુમન સોર્સ અને ચોક્કસ બાતમી દ્વારા જાણકારી મળી હતી કે બગસરાના જેતપુર રોડ પર આવેલા વાડી વિસ્તારમાં કેટલાક શખ્સો એકઠા થઈને જાહેરમાં પૈસા અને પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ આઠ ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ૨૧,૬૭૦ રૂપિયાની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સોમાં બગસરાના વલ્લભભાઇ ગોંડલીયા, નાગજીભાઇ ગોંડલીયા, પ્રકાશભાઇ ભાલાળા, ચંદુભાઇ સતાણી અને મુકેશભાઇ પાઘડાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાબાપુરના દર્શકભાઇ ગોંડલીયા અને સાગરભાઇ ગોડલીયા તેમજ વિસાવદરના ભલગામના વતની ઘનશ્યામભાઇ હિરપરા પણ પોલીસની પકડમાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































