શહેરના બાકી રહેલા મોટાભાગના સીસીરોડને આવરી લેવાયા

બગસરા નગરપાલિકા દ્વારા આવનારા સમયમાં રૂ.૪ કરોડના ખર્ચે સીસીરોડ અને રૂ.ર.૦પ કરોડના ખર્ચે પ્રોટેકશન વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં મોટાભાગના સીસીરોડ બનાવવામાં આવશે. રૂ.૪ કરોડના વિકાસકામો અંગે પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવા સ્વામિનારાયણ મંદિર પાસેનો વિસ્તાર, ધારી બાયપાસ પાસે શ્યામભૂમિ વિસ્તાર, કોળી સમાજની વાડી પાછળ, બાલાજી રેસીડેન્સી, સાતલડી રિવરફ્રન્ટ, માતૃભૂમિ સોસાયટી સહિત ૧૧ વિસ્તારોમાં સીસીરોડ બનાવવામાં આવશે. આ સીસીરોડ બનવાથી લોકોની હાલાકીનો અંત આવશે સાથોસાથ નદીપરા રામબાગથી પુલ સુધી અને નૂતન સ્વામિનારાયણ મંદિરથી એસ.ટી.પી. પ્લાન્ટ સુધી રૂ.ર.૦પ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પુરી થઈ ગઈ છે જા એક જ કંપની ક્વોલીફાઈડ થશે તો પાલિકા દ્વારા તાત્કાલિક ફરી રિટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવશે. લોકોને સારી સુવિધા મળે તે માટે પાલિકા કટીબધ્ધ છે તેમ અંતમાં પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.