બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા આજે તેમની પડતર માગણીઓને લઈને હડતાલ કરવામાં આવી હતી અને નગરપાલિકા કચેરી ખાતે પ્રતિકાત્મક ધરણા કર્યા હતા. કામદારો દ્વારા મુખ્યત્વે દર મહિને પગાર ચૂકવવો, દિવાળી પર બોનસ આપવું, પાલિકામાં કાયમી સફાઈ કર્મચારીની ભરતી કરવી, ગણવેશ સહાય ચૂકવવી, એક દિવસ રજા બદલ ત્રણ દિવસનો પગાર કાપવો બંધ કરવો, પગાર વેતન વધારવું જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કામદારો દ્વારા આગામી દિવસોમાં પણ તેમની માગણીઓનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. હડતાલના કારણે શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ અને ગંદકીના ઢગલા થઈ ગયા હતા. પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કામદારોના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.
નીતિ સંબંધિત મુદ્દાઓ પર રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમનો પગાર દર મહિને ચૂકવવા માટેના પ્રયત્નો ચાલુ છે.