બગસરા નગરપાલિકાના ૧૩ કર્મચારીઓ છેલ્લા પાંચ મહિનાથી પગાર વગર ફરજ બજાવી રહ્યા છે. કર્મચારીઓને પગાર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને રોજિંદા ખર્ચ માટે પણ તેમને વેપારીઓ પાસેથી ઉધાર લેવામાં મુશ્કેલી પડી રહી છે. પાલિકાના કર્મચારીઓમાં પગારધોરણની પણ વિસંગતતા જોવા મળી રહી છે. ૧૩ કર્મચારીઓમાંથી ત્રણ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ, ત્રણને સાતમા પગારપંચ અને સાત કર્મચારીઓને પાંચમા પગારપંચ મુજબ પગાર ચૂકવવામાં આવે છે. આ અસમાનતાને કારણે કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. વધતી મોંઘવારી અને પગાર ન મળવાને કારણે કર્મચારીઓની સ્થિતિ દયનીય બની છે. દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ વેપારીઓ હવે ઉધાર આપવાનો ઇનકાર કરી રહ્યા છે. આ મુદ્દે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ.વી. રીબડિયાએ જણાવ્યું હતું કે પાલિકાએ મૂકેલી લોન મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ગ્રાન્ટ પણ મળવાની છે. તેમણે આશ્વાસન આપ્યું કે થોડા દિવસોમાં તમામ કર્મચારીઓના બાકી પગારની એકસાથે ચૂકવણી કરવામાં આવશે.