બગસરા પંથકમાં ગઈ કાલના રોજ ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યાર બાદ બીજા દિવસે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. શહેર તેમજ આજુબાજુના ગામો જેવા કે મુંજીયાસર, જુની હળિયાદ, નવી હળિયાદ, નાના મુંજીયાસર, રફાળા, માણેકવાડા જેવા અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્‌યો હતો. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે આજે સવારથી જ મેઘમહેર યથાવત રહી હતી. બગસરા શહેરમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને બગસરાની જીવાદોરી સમાન મુંજીયાસર ડેમમાં પાણીની આવક થતા સપાટીમાં એક ફૂટ જેટલો વધારો થયો હતો. અને હાલની સપાટી ૨૧.૭૦ જેટલી પહોંચી ચૂકી છે. જ્યારે આ ડેમ ઓવરફલો થવાથી ફક્ત ૨.૮ ફૂટ બાકી છે. જેના લીધે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
૩ ઈંચ વરસાદથી નવા નીરની આવક થતા મુંજીયાસર ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો