બગસરા, અમરેલી જિલ્લાનો એવો બીજો તાલુકો છે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્‌યો છે. બગસરા પંથકમાં અમુક ખેડૂતોના પાક પણ વધુ પડતા વરસાદથી સુકાઈ ગયા છે, તો અમુક ખેડૂતના પાકો પીળા પડી ગયા છે. અવિરત વરસાદ બાદ વિરામ લેતા મોલાત ઉપર તડકો પડતાં ખેડૂતોને થોડી રાહત થઈ હતી ત્યારે વધુ એક ખતરો સામે આવ્યો છે. મગફળીના પાકમાં મુંડા આવતા જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે. બગસરા પંથકમાં કુલ ખેતીની જમીન ૨૯૮૯૫ હેકટર છે જે પૈકી ૮૭૪૮ હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં આજ દિવસ સુધીનો ૮૬૧ મિમી વરસાદ પડી ચૂકેલો છે. મગફળીમાં હજુતો માંડ ફૂલો ખીલવાની શરૂઆત થઈ ત્યાં તો મુંડાએ આતંક મચાવી દીધો છે. મુંડા આવતાંની સાથે તમામ મગફળીના પાક ખાઈ ગયેલ છે. તેમજ તેના મૂળને પણ ભારે નુકસાની પહોંચેલ છે. જેના કારણે ખેડૂતોને પોતાનો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી.