બગસરા પંથકમાં પ્રિ-મોન્સુનની કામગીરીના બહાના તળે પીજીવીસીએલ દ્વારા સવારે ૭ વાગ્યાથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા હાલની કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી જ ગરમીનું પ્રમાણ વધુ રહે છે અને તેમાં પંખા પણ અસરકારક રાહત નથી આપી શકતા તેવા સમયે જ વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા લોકોને કોઇ પૂર્વ જાણ કર્યા વિના જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ઘરોમાં પાણીની મોકાણ સર્જાઇ હતી. લોકો પાણી વિના મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પ્રિ-મોન્સુનની કામગીરીમાં દરરોજ થોડા થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરી દઇને પણ કામગીરી થઇ શકે અને લોકોને પોતાની જરૂરિયાત મુજબની વીજળી મળી રહે. પરંતુ વીજ તંત્ર દ્વારા લોકોને થનાર મુશ્કેલીનો વિચાર કર્યા વિના જ એક સાથે કલાકો સુધી વીજળી બંધ કરી દેવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નાના બાળકોની હાલત દયનીય બની જવા પામી હતી. તંત્રની આ પ્રકારની કાર્ય પદ્ધતિ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.