બગસરા નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે વિસ્તારવાસીઓ માટે બાળકોને રમવા માટે ક્રિડાંગણમાં સાધનો વસાવ્યા હતા. લાખો રૂપિયાના સાધનો નાખ્યા પછી પાલિકા દ્વારા કોઈ ધ્યાન રાખવામાં ન આવતા બાળ ક્રિડાંગણના ખસ્તાહાલ થઈ જતા વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. બગસરાના વોર્ડ નં.૩માં નગરપાલિકાએ બાળકો આનંદપ્રમોદ કરી શકે તે માટે લાખો રૂપિયાના ખર્ચે હિંચકા, લપસણી સહિતના સાધનો નાખ્યા હતા પરંતુ સમયાંતરે યોગ્ય દેખરેખના અભાવે આ જગ્યા પરના સાધનો તૂટેલી હાલતમાં જાવા મળી રહ્યાં છે તો અમુક સાધનો ગાયબ થઈ ગયા છે. બાળ ક્રિડાંગણમાં ગંદકીએ માઝા મૂકી છે. પાલિકા દ્વારા યોગ્ય સફાઈને અભાવે હવે આ ક્રિડાંગણની દુર્દશા વધી ગઈ છે. બાળ ક્રિડાંગણમાં સાધનો તૂટેલી હાલતમાં હોવાથી બાળકોને રમવાની જગ્યા છીનવાઈ ગઈ છે. બાળ ક્રિડાંગણના દરવાજા પર તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે. વડીલોને બેસવાના બાકડા પણ તૂટી ગયા છે. આમ, પાલિકાએ કરેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. વિસ્તારોમાં આવેલા બાળ ક્રિડાંગણની યોગ્ય દેખરેખ કરી ફરી સાધનો નાખવામાં આવે તેવું વિસ્તારવાસીઓ ઈચ્છી રહ્યાં છે.